
ભારતીય સેનાએ 9-10 મેની રાત્રે હવાઈ હુમલો કર્યોની પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની કબૂલાત
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાના હવાઈ હુમલા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ ભારતમાં ઉજવણીનો માહોલ છે. બીજી તરફ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પહેલી વખત સ્વીકાર્યું છે કે 9-10 મેની રાત્રે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ભારતીય સેનાએ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આ હવાઈ હુમલામાં અનેક પાકિસ્તાની એરબેઝ પર મિસાઈલ હુમલા કર્યા હતા.
શરીફે “યૌમ-એ-તશકુર” (આભાર વ્યક્ત કરવા) નામના ભવ્ય સમારોહમાં પોતાના ભાષણ દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ઈસ્લામાબાદમાં પ્રતિષ્ઠિત સીમાચિહ્ન “ધ મોન્યુમેન્ટ” ખાતે આયોજિત એક સમારોહ દરમિયાન, પાકિસ્તાનના વડા પ્રધાને ત્યારબાદ બનેલી ઘટનાઓની શ્રેણીની વિગતવાર માહિતી આપી અને કહ્યું કે જેના પગલે અમે ભારત પ્રત્યે અમારો પ્રતિભાવ વ્યક્ત કર્યો.
પોતાના સંબોધનમાં, પાકિસ્તાનના પીએમએ નૂર ખાન એરબેઝ પર ભારતીય મિસાઈલ હુમલા અંગે ભારતના દાવાને સ્વીકાર્યો. શરીફે કહ્યું, “9 અને 10 મેની રાત્રે લગભગ 2:30 વાગ્યે, આર્મી ચીફે મને ફોન કર્યો અને જાણ કરી કે ભારતે તેની બેલિસ્ટિક મિસાઈલોથી અમારા પર હુમલો કર્યો છે. એક મિસાઈલ નૂર ખાન એરબેઝ પર પડી અને કેટલીક અન્ય મિસાઈલો અન્ય વિસ્તારોમાં પડી.”
તેમણે કહ્યું કે આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ભારત દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાનો સંપૂર્ણ તાકાતથી જવાબ આપવાની પરવાનગી માંગી હતી. ભારતના હવાઈ હુમલા પછી, પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ હુમલાઓ દ્વારા હુમલો કર્યો. પાકિસ્તાની વડા પ્રધાનના ભાષણમાં શાંતિ વાટાઘાટોના આહ્વાન પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો. તેમણે કહ્યું, “હું બધા મિત્ર દેશોનો ખૂબ આભારી છું જેમણે વિશ્વના આ ભાગમાં શાંતિ અને યુદ્ધવિરામને પ્રોત્સાહન આપવામાં ખૂબ મદદ કરી છે.” શરીફે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઓછો કરવામાં મદદ કરવા બદલ સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કતાર, કુવૈત, ઈરાન, તુર્કી, ચીન, બ્રિટન અને અન્ય દેશોનો આભાર માન્યો.
તેમણે ખાસ કરીને કટોકટીની છેલ્લી ઘડીએ દરમિયાનગીરી કરવા બદલ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી. પાકિસ્તાનના પીએમએ કહ્યું કે હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો તેમના નેતૃત્વ માટે આભાર માનું છું, અને દક્ષિણ એશિયામાં શક્ય તેટલી વહેલી તકે શાંતિ પુનઃસ્થાપિત થાય તેવા તેમના વિઝન માટે પણ આભાર માનું છું. તેમના દૂરંદેશી અને વ્યૂહાત્મક નેતૃત્વએ કામ કર્યું અને બંને દેશો વચ્ચેના ઘાતક યુદ્ધને ટાળ્યું.