1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાટડીના ખેડૂતોએ તંત્રની રાહ જોયા વિના જાતે કેનાલ સાફ કરી 3 ટ્રેકટર કચરો બહાર કાઢ્યો
પાટડીના ખેડૂતોએ તંત્રની રાહ જોયા વિના જાતે કેનાલ સાફ કરી 3 ટ્રેકટર કચરો બહાર કાઢ્યો

પાટડીના ખેડૂતોએ તંત્રની રાહ જોયા વિના જાતે કેનાલ સાફ કરી 3 ટ્રેકટર કચરો બહાર કાઢ્યો

0
Social Share

સુરેન્દ્રનગર,  2 ફેબ્રુઆરી 2026:  પાટડીના ખેડૂતોએ તંત્રની રાહ જાયો વિના જાતે જ શ્રમદાન કરીને ખારાઘોડાની નર્મદા કેનાલમાંથી કચરો બહાર કાઢીને કેનાલમાં સફાઈ કરી હતી. ખેડૂતોએ કેનાલ સાફ કરવા માટે નર્મદા વિભાગને અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં પાટડીના ખેડૂતોએ જાતે જ ખારાઘોડા બ્રાન્ચ કેનાલની સફાઈ કરી હતી. આ સફાઈ દરમિયાન અંદાજે ત્રણ ટ્રેક્ટર જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાંથી પસાર થતી ખારાઘોડા બ્રાન્ચ કેનાલમાં ભારે ગંદકી અને ઠેર ઠેર કચરો ભરાઈ જતા આગળના વિસ્તારોમાં પાણી પહોંચી શકતું નહોતું. આ સમસ્યાને કારણે ખેડૂતોના ખેતરો સુધી નર્મદાનું પાણી પહોંચતું નહોતું, જેનાથી પાકને નુકસાન થવાનો ભય હતો. આ અંગે સ્થાનિક ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરી હતી. ખેડૂતોએ જેસીબી મશીન અને મજૂરો દ્વારા કેનાલની સઘન સફાઈ કરાવવા વિનંતી કરી હતી, પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ખેડૂતોને તેમના પાક માટે છેલ્લા પાણીની તાત્કાલિક જરૂર હતી. કેનાલમાં ગંદકીના કારણે છેવાડાના વિસ્તારો સુધી પાણી ન પહોંચતા, ખેડૂતોએ “જાત મહેનત જિંદાબાદ”ના સૂત્રને સાર્થક કરતા જાતે જ કેનાલ સાફ કરવાનું નક્કી કરીને ખેડૂતોએ શ્રમદાન દ્વારા જાતે જ કેનાલ સાફ કરી હતી.

પાટડીના ખેડૂતોએ જણાવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવાથી ખેડૂતો અકળાયા હતા. પાટડી તળાવ પાસેની ખારાઘોડા બ્રાન્ચ કેનાલોમાં જમા થયેલી ગંદકી દૂર કરવા માટે અનેક રજૂઆતો છતાં કોઈ પગલાં લેવાયા નહોતા. રોષે ભરાયેલા ખેડૂતોએ પાવડા અને કોદાળી જેવા સાધનો લઈને કેનાલની સફાઈ શરૂ કરી હતી. આ સ્વયંભૂ સફાઈ અભિયાન દ્વારા કેનાલમાંથી મોટા પ્રમાણમાં કચરો દૂર કરવામાં આવ્યો હતો, જેથી પાણીનો પ્રવાહ સુચારુ બની શકે.

પાટડીના ખેડૂત નવઘણ ચેલાજી ઠાકોરે જણાવ્યું હતું કે, નર્મદા વિભાગ દ્વારા કેનાલોનો કચરો બહાર ના કઢાતા આ વિસ્તારના બધા ખેડૂતોએ એકસંપ કરીને કેનાલોમાંથી ત્રણથી ચાર ટ્રેક્ટરો ભરાય એટલો કચરો બહાર કાઢ્યો હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code