
- શહેરના જશોદાનગર વિસ્તારમાં બન્યો બનાવ,
- એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો,
- દબાણો હટાવવા સામે મહિલાએ અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો
અમદાવાદઃ શહેરના જશોદાનગર વિસ્તારમાં દૂકાનોના ડિમોલિશન કરવા પહોંચેલી એએમસીની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિક લોકોએ પથ્થરમારો કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. મ્યુનિની એસ્ટેટ વિભાગની ટીમ જશોદાનગરમાં રોડ તપાસની જગ્યાએ એક દુકાનનું ડિમોલિશન કરવા પહોંચી હતી. આ દરમિયાન સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને એક વેપારીની પત્નીએ કેરોસિન છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમનાં પરિવારજનો પણ આપઘાત કરવા માટે ત્યાં પહોંચ્યાં હતાં. મહિલાને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. બાદમાં સ્થાનિકોએ એસ્ટેટ વિભાગની ગાડી પર પથ્થરમારો કરતા પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક વેપારીઓએ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી એવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. હાલ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
શહેરના જશોદાનગરમાં રોડ પર દુકાનોના ડિમોલિશન કરવા ગયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસ્ટેટ વિભાગની ટીમ પર સ્થાનિકો હુમલો કર્યો છે. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ દરમિયાન ડિમોલિશનની કામગીરીના વિરોધમાં એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. દરમિયાન સ્થાનિક વેપારીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે અમે ભાજપને મત આપીને કોંગ્રેસના ગઢને ભાજપનો ગઢ બનાવ્યો છે. મ્યુનિના અધિકારીઓ વેપારીઓને ડિમોલિશનના નામે હેરાન કરી રહ્યા છે. મ્યુનિના અધિકારીઓ ડિમોલિશન ન કરવા લાંચપેટે બે-બે લાખ રૂપિયા માંગી રહ્યા છે. અમારી પાસેથી બે-બે વખત પૈસા લઈ ગયા છે. ગરીબ વેપારી બીચારો પૈસા ક્યાંથી લાવશે. આજે એક વેપારીની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. વેપારી એસોસિયેશન તમામ વેપારીની સાથે છે અને જ્યાં સુધી વેપારીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન કરીશું. આજથી આખું જશોદાનગર વેપારીની સાથે છે.
સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, ‘એએમસીની ટીમ આવી ત્યારે અમે તેમની પાસે સમય માંગ્યો. પરંતુ અમારું કાંઇ સાંભળ્યું નહીં. તેમણે તોડવાનું ચાલુ જ રાખ્યું અમને આગળથી કોઈ નોટિસ આપી નથી અને ડાયરેક્ટ આવીને તોડવાનું ચાલુ જ કરી દીધું. અમને લેખિતમાં કાંઈ આપ્યું નથી. અમને થોડો સમય આપો તો સામાન કાઢી લઈએ.’ જશોદાનગરના સ્થાનિકોએ રોષે ભરાઈને એએમસીની ટીમ પર પથ્થરમારો કરીને ગાડીના કાચ તોડ્યા હતાં. આ ઘટના વધારે મોટી ન બને તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે ખડકી દેવામાં આવ્યો છે.