
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી અને “વિકસિત ભારત” બનાવવા માટે વિજ્ઞાનની શક્તિનો ઉપયોગ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર વિજ્ઞાન પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને, ખાસ કરીને આપણા યુવા સંશોધકોને શુભકામનાઓ. ચાલો આપણે વિજ્ઞાન અને નવીનતાને લોકપ્રિય બનાવવાનું ચાલુ રાખીએ, અને વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરીએ.”
તેમણે ગયા રવિવારે ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત થયેલા તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે યુવાનોને વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા અને “એક દિવસ વૈજ્ઞાનિક તરીકે વિતાવવા” આહ્વાન કર્યું હતું.
‘રામન ઇફેક્ટ’ ની શોધની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (NSD) ઉજવવામાં આવે છે. ભારત સરકારે 1986માં 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (NSD) તરીકે જાહેર કર્યો હતો. આ દિવસે સર સી.વી. રમને ‘રામન ઇફેક્ટ’ ની શોધની જાહેરાત કરી હતી, જેના માટે તેમને 1930 માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.