
- રાષ્ટ્રપતિના આગમનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ
- રાષ્ટ્રપતિ સફેદ રણમાં રાત્રિ રોકાણ કરશે
- ધોળાવીરા અને સ્મૃતિવનની પણ મુલાકાત લેશે
ભૂજઃ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા. 28 ફેબ્રુઆરીએ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિની પ્રવાસને લઈને તંત્ર એલર્ટ બન્યુ છે, અને રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન કોઈ ક્ષતિ ન રહે તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કલેક્ટર અમિત અરોરાના નેતૃત્વમાં સતત બેઠકો યોજાઈ રહી છે. રાષ્ટ્રપતિની મુલાકાતના સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેઓ ધોરડો ગામની મુલાકાત લેશે. ત્યારબાદ સફેદ રણમાં રાત્રિ રોકાણ કરશે. આ માટે રણમાં વિશેષ સુવિધાયુક્ત તંબુ તૈયાર કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા. 28 ફેબ્રુઆરીએ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રપતિજીના સ્વાગતથી લઈને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ મુર્મુ ધોરડોના સફેદ રણની મુલાકાત લેશે. અને સફેદ રણમાં જ રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાની મુલાકાત લઈને રાષ્ટ્રપતિ પ્રાચીન સભ્યતાથી પરિચિત થશે. તેઓ પ્રવાસીઓમાં લોકપ્રિય રોડ ટુ હેવનની પણ મુલાકાત લેશે. ભુજના સ્મૃતિવન સ્થિત ભૂકંપ આધારિત મ્યુઝિયમ દ્વારા કચ્છના ભૂકંપ અને ત્યારબાદની પરિસ્થિતિની માહિતી મેળવશે.
રાષ્ટ્રપતિના રોકાણ માટે ઉમેદ ભુવનમાં વિશેષ તૈયારીઓ થઈ રહી છે. અહીં કલરકામ, મરામત, સાફ-સફાઈ, છોડનું વાવેતર, દરવાજા અને એસી રિપેરિંગ સહિતના કાર્યો ચાલી રહ્યા છે. તંત્રના વિવિધ વિભાગો કલેક્ટરના માર્ગદર્શન હેઠળ આ તમામ તૈયારીઓ કરી રહ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.