
- વડાપ્રધાન 3 માર્ચે સાસણમાં, તેમજ 7 અને 8 માર્ચે સુરત-નવસારીની મુલાકાતે આવશે,
- ગીરમાં 3000 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોંચિંગ પીએમ કરશે
- સુરતમાં વડાપ્રધાનનો રોડ શો યોજાશે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી માર્ચ મહિનામાં ગુજરાતની બેવાર મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ ગોઠવાય રહ્યો છે, જેમાં 3જી માર્ચ અને ત્યારબાદ 7મી માર્ચથી બે દિવસના પ્રવાસે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવશે. 3જી માર્ચના રોજ સાસણમાં યોજાનારી નેશનલ વાઇલ્ડ લાઇફ બોર્ડની બેઠકમાં ભાગ લેવા વડાપ્રધાન આવશે, જ્યારે 7 માર્ચના રોજ વડાપ્રધાન સુરતની મુલાકાતે આવશે. સુરતમાં વડાપ્રધાનના રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે 8મી માર્ચે વડાપ્રધાન નવસારીમાં વિશ્વ મહિલા દિવસ સહિતની ઉજવણીમાં ભાગ લેશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી 3જી માર્ચે વિશ્વ વન્યસૃષ્ટિ દિવસ છે, અને તે દિવસે જ મોદી પોતે હોદ્દાની રૂએ નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના અધ્યક્ષ હોવાથી બેઠકમાં ભાગ લેવા સાસણગીર આવશે. વડાપ્રધાન 3000 કરોડના પ્રોજેક્ટ લાયનનું લોંચિંગ કરશે. 2047ના વર્ષને ધ્યાને રાખીને ગુજરાતમાં વધતી જતી સિંહોની વસતીને જોતાં આ પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં નિયંત્રણ, દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિત સુવિધાઓ ખુલ્લી મુકાશે. વડાપ્રધાન સોમનાથની પણ મુલાકાત લે એવી શક્યતા છે. વડાપ્રધાન સાજં દિલ્હી જવા રવાના થશે. ત્યારબાદ 7 માર્ચે સુરતની મુલાકાતે આવશે. સુરતમાં રોડ શો બાદ શહેરના લિંબાયત વિસ્તારના નીલગીરી મેદાનમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રિ રોકાણ સુરતમાં જ કરી બીજે દિવસે સવારે નવસારીમાં વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને અહીં પણ મહિલાલક્ષી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરશે.
સૂત્રોએ જણાવ્યું કે, સાસણના કાર્યક્રમમાં મોદી આવશે તે મુજબનો આખરી સંદેશ મળ્યો નથી, પરંતુ કેન્દ્ર સરકારે તેમની હાજરી હશે તેમ માનીને કાર્યક્રમમાં સુરક્ષા સહિતની વ્યવસ્થા કરવાની રહેશે. દક્ષિણ ગુજરાતના કાર્યક્રમો માટેની ખાતરી આવી ગઇ હોવાથી ત્યાં સંબંધિત જિલ્લા કલેક્ટરોને જાહેરસભામાં આવનારાં લોકોની વ્યવસ્થા કરવા સુચના આપી દેવામાં આવી છે.