
- બે મહિના અગાઉ શો-કોઝ નોટિસોમાં વિરોધ થયા બાદ પુન: કાર્યવાહી શરૂ કરાઈ,
- વેપારીઓ કહે છે કે, તમામ વિગતો તંત્ર પાસે છે, છતા હેરાનગતિ કરવામાં આવી રહી છે,
- કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસો સામે વેપારીઓ વિરોધ
ભાવનગરઃ શહેર અને જિલ્લાના વેપારીઓ અને ઉદ્યોગકારોને વર્ષો પહેલાની રિકવરી કાઢીને સેન્ટ્રલ જીએસટી દ્વારા ડિમાન્ડ નોટિસો ફટકારાતા વેપારીઓમાં તંત્ર સામે નારાજગી ઊભી થઈ છે. વેપારીઓ, ઉદ્યોગકારોને સેન્ટ્રલ જીએસટી દ્વારા વર્ષ 2018-19થી 2023-24 સુધીની ઢગલાબંધ નોટિસો ફટકારવામાં આવી છે. અને તેની આગળની કાર્યવાહી સ્વરૂપે હવે કરોડો રૂપિયાની ડિમાન્ડ નોટિસો વેપારીઓને ફટકારાઈ છે. SGST, CGST, ડીજીજીઆઇ દ્વારા સર્ચ ઓપરેશન કરાયા હોય છે, તેના કેસ ચાલુ હોય છે જેની માહિતી તંત્ર પાસે હોય જ છે છતા વેપારીઓ પાસે માહિતીઓ મંગાવવામાં આવી રહી છે.
સૂત્રોના કહેવા મુજબ ભાવનગરના 700 જેટલા વેપારીઓ અને ઉદ્યોગકારોને બે મહિના અગાઉ કારણ દર્શક નોટિસો ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ હવે તે પૈકીના મોટાભાગના વેપારીઓને ડિમાન્ડ નોટિસો કાઢવામાં આવી છે, અને જીએસટીની કલમ 122 તળે 100%ની પેનલ્ટી ભરવા માટે પણ ફરમાન કરાયું છે. સીજીએસટી ભાવનગર દ્વારા વેપારીઓ-ઉદ્યોગકારોએ વર્ષ 2018-19થી 2023-24ના સમયગાળા દરમિયાન કરેલી ખરીદીમાં સપ્લાયર પાર્ટીના નંબર રદ્દ થયા હોય તેવા કિસ્સામાં ખરીદનાર પાસેથી સપ્લાયરના ટર્નઓવરના વર્ષ વાઇઝ ઇન્વોઇસ, ઇ-વે બિલ, માલ પરિવહનની વિગતોમાં ટ્રાન્સપોર્ટ રીસીપ્ટ, બિલટી, ચલણ, લોરી રીસીપ્ટ, ડિલિવરી ચલણ, વે-બ્રિજની રીસીપ્ટ, ટોલ ટેક્સની રીસીપ્ટ અને માલ મળી ગયો હોવાની રીસીપ્ટ, સપ્યાલરને કરવામાં આવેલા પેમેન્ટની બેંક સ્ટેટમેન્ટમાં આપેલી અસર, કર જવાબદારી અને લીધેલી વેરાશાખની સરખામણીની શીટ, કેસ સંબંધિત અન્ય કાગળો સહિતના દસ્તાવેજોની માગણી કરવામાં આવી છે.
વેપારી સૂત્રોના કહેવા મુજબ ઘણા કિસ્સામાં SGST, CGST, ડીજીજીઆઇ દ્વારા સર્ચ ઓપરેશન કરાયા હોય છે, તેના કેસ ચાલુ હોય છે જેની માહિતી તંત્ર પાસે હોય જ છે છતા વેપારીઓ પાસે માહિતીઓ મંગાવવામાં આવી રહી છે. જે સપ્લાયર-વેપારીના એબેનેશિયો રદ્દ થયા હોય તેવા કિસ્સામાં તેની વિગતો, ટેક્સ રીટર્ન ભર્યા સહિતની માહિતી તંત્ર પાસે હોય છે, કોમ્પ્યુટરમાં સામેલ હોય જ છે, તમામ માહિતી જીએસટીઆર-3બીમાં રીફ્લેક્ટ થાય છે છતા ડિમાન્ડ કરવામાં આવી રહી છે. કેસ થયા હોય તેવા કિસ્સામાં વેપારીએ તંત્રની માંગ મુજબના નાણા ભરી દીધા હોવા છતા તેની માહિતીઓ પુરાવા સાથે મંગાઈ રહી છે. વેપારીઓની માહિતીઓ સીજીએસટી તંત્ર પાસે કોમ્પ્યુટરમાં હોય જ છે છતા હેરાનગતિ કરવામાં આવી રહી છે. વેપારીઓ દ્વારા જેની પાસેથી માલની ખરીદી કરી હોય તેવા વેપારીઓ-સપ્લાયરોની ભાગીદારી પેઢીમાં તબદીલી આવી હોય, પ્રાયવેટ લિમિટેડ પેઢી બનાવી હોય તેવા કિસ્સામાં પરમેનન્ટ એકાઉન્ટ નંબર નવો લેવામાં આવ્યો હોય તેવા તમામ લોકોએ જેને વેચાણ આપ્યુ છે તેની પાસેથી માહિતીઓ માંગવામાં આવી રહી છે અને નોટિસ અપાઈ છે. ધંધો બંધ કરી દીધો હોય, ધંધાદારી વ્યક્તિ ગુજરી ગયા હોય તેવા કિસ્સામાં પણ નોટિસો આવી છે.