
જુનાગઢમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી કાલે આવશે
- કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો મલ્લિકાર્જુન ખડગેના હસ્તે પ્રારંભ કરાયો હતો,
- રાહુલ ગાંધી કાલે બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરશે,
- સાજે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે
જુનાગઢઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 2027ના વર્ષમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ ગુજરાત કોંગ્રેસના સંગઠનનું નવસર્જન થઈ ચૂક્યું છે. આણંદ બાદ જૂનાગઢના પ્રેરણાધામમાં ગઈકાલથી ગુજરાતના શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરનો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસના શહેર અને જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપવા માટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે તા.12મીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.રાહુલ ગાંધી જૂનાગઢમાં ચાલી રહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખોના પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપશે અને તેમને નેતૃત્વ અને સંગઠનના પાઠ ભણાવશે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના કહેવા મુજબ આ પ્રવાસ દરમિયાન, રાહુલ ગાંધી બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરશે. ત્યાંથી તેઓ સીધા જૂનાગઢ જશે, જુનાગઢમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખો માટે 10 દિવસીય ટ્રેનિંગ કેમ્પ ચાલી રહ્યો છે. આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવાનો છે. રાહુલ ગાંધી અગાઉ પણ આવા પ્રશિક્ષણ કાર્યક્રમોમાં ભાગ લઈ ચૂક્યા છે. ટ્રેનિંગ કેમ્પમાં રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ, જનતા સુધી પહોંચવાના ઉપાયો અને સંગઠનને તળિયાના સ્તરે કેવી રીતે મજબૂત કરવું તે અંગે માર્ગદર્શન આપશે. તેમના આ માર્ગદર્શનથી કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ અને જોમ ઊભો થવાની સંભાવના છે.
જૂનાગઢમાં કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ સાંજે પોરબંદરથી દિલ્હી પરત ફરશે. રાહુલ ગાંધીની આ મુલાકાત ગુજરાત કોંગ્રેસ માટે એક મહત્વપૂર્ણ ઘટના છે, જે પાર્ટીની ભાવિ વ્યૂહરચના માટે દિશા નિર્ધારિત કરી શકે છે.