1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં આજે 90 તાલુકામાં વરસાદ પડ્યો, નવસારી અને વલસાડમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો
ગુજરાતમાં આજે 90 તાલુકામાં વરસાદ પડ્યો, નવસારી અને વલસાડમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો

ગુજરાતમાં આજે 90 તાલુકામાં વરસાદ પડ્યો, નવસારી અને વલસાડમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો

0
Social Share
  • નવરાત્રિના ડોમ ઉડ્યા, અનેક ગામોમાં તારાજી,
  • મેઘરાજાએ ખેલૈયાઓની મજા બગાડી,
  • ગામડાંઓમાં અનેક વૃક્ષો ધરાશાયી, વીજળીના થાંભલા પણ તૂટ્યા,

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ આ વખતે વધુ મહેમાનગતિ માણી છે. અને નવરાત્રીમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં 90થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડું ફુકાયુ છે. જેમાં નવસારી અને વલસાડમાં ગતરાત્રે મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. અનેક ગામોમાં તારાજી સર્જાઈ છે. તો નવરાત્રિ મહોત્સવમાં ખેલૈયાઓની મજા પણ વરસાદે બગાડી હતી. કેટલીક જગ્યાએ નવરાત્રિના ડોમ ઉડ્યા હતા. તો અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. તેમજ વીજળીના થાંભલા પણ તૂટ્યા છે. જેથી વીજ વ્યવહાર ખોરવાયો છે. ચીખલીમાં સરકારી અનાજ પલળી ગયું છે. જ્યારે અનેક મકાનોમાં ભારે નુકસાન પહોંચ્યું છે.

ગુજરાતમાં આજે સવારથી બપોર સુધીમાં 90તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડ્યો હતો, સુરત, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી, છોટાઉદેપુર, વડોદરા, અમદાવાદ, દાહોદ, આણંદ વગેરે જિલ્લામાં વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ અચાનક આવેલા વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું. અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને નવરાત્રિના આયોજનોને ભારે નુકસાન થયું હતું, જેના પગલે મોટાભાગના ગરબા રદ કરવા પડ્યા હતા. વરસાદ અને ભારે પવનને કારણે નવરાત્રિના અનેક મંડપ અને ડોમ ધરાશાયી થયા હતા. ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં ઓરકેસ્ટ્રા માટે બનાવેલો ડોમ ઉડી ગયો હતો, જેમાં એક યુવકને ઈજા પહોંચી હતી. તેવી જ રીતે, અનાવિલ સમાજ દ્વારા આયોજિત ડોમ નવરાત્રિમાં ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું હતું.

વલસાડના તિથલ રોડ પર આવેલી આર.એમ. ડેસ્ટિની ખાતે શેરી ગરબા માટે માતાજીની સ્થાપનાનો મંડપ પણ ધરાશાયી થયો હતો. ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના સરદાર હાઈટ્સ સોસાયટીમાં નવરાત્રિ આયોજનના નાસ્તાના સ્ટોલ, શેડ અને લાઈટિંગના ભાગો તૂટી પડ્યા હતા. આ ઘટનામાં પાર્કિંગમાં ઉભેલી કારો અને અન્ય વાહનોને ભારે નુકસાન થયું હતું, જેમાં કારના કાચ પણ તૂટી ગયા હતા.  વરસાદના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેનાથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. ધનભુરા રોડ પર વીજળીનો થાંભલો તૂટી પડતા વીજ પુરવઠો ખોરવાયો હતો. આરપીએફ ગ્રાઉન્ડ પાસે અને સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં ઝાડ પડવાની ઘટનાઓ બની હતી, જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે પાર્ક કરેલી બાઈકને નુકસાન થયું હતું.

સુરત જિલ્લા માટે જાહેર કરેલા રેડ એલર્ટ વચ્ચે રવિવારે વહેલી સવારથી જ શહેરમાં વરસાદ શરૂ થઈ ગયો છે, જેના કારણે હાલ ચાલી રહેલા નવરાત્રીના ગરબાના આયોજનોમાં મોટો વિઘ્ન પડવાની શક્યતા ઊભી થઈ છે. માત્ર ગરબા જ નહીં, પરંતુ ભારે વરસાદને કારણે ઉપવાસ અને તાપી કેચમેન્ટ વિસ્તારમાં થઈ રહેલી પાણીની આવકથી સુરતને રાંદેર-સિંગણપોર સાથે જોડતો કોઝ-વે ભયજનક સ્થિતિમાં મુકાયો છે. તાપી જિલ્લામાં સતત વરસતા વરસાદી માહોલ વચ્ચે ગ્રામીણ વિસ્તારોમાં અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ છે. સોનગઢ તાલુકાના ઉપરવાસ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે બે માર્ગો બંધ થઈ ગયા છે. ઘુસરગામથી સોનગઢ ઓટા અને ભોરઠવાથી ઘુસરગામને જોડતા લો-લેવલ પુલ પાણીમાં ગરકાવ થતા વાહનવ્યવહાર અટકી ગયો છે. જેના કારણે સ્થાનિક લોકો તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિણધઈ ગામ તરફથી રાત્રે આવેલા વાવાઝોડાના કારણે વહેવલ ગામના ઉપલું ફળિયું અને અટવાડા ફળિયામાં અંદાજે 50થી 55 કાચા ઘરોની દિવાલો ધરાશાયી થઈ છે, છાપરા, નળિયા ઉડવાથી ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે. સાયક્લોનના રૂટ પરના વૃક્ષો અને ઇલેક્ટ્રિક પોલ પડી ગયા છે. વીજ પોલની મરામત અને વીજ પ્રવાહ પૂર્વવત કરવા માટે ડીજીવીસીએલની ટીમ કાર્યરત છે. તાલુકા પંચાયતની ટીમ દ્વારા આજે 28મી સાંજ સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code