
રાજસ્થાન હાઈકોર્ટે આસારામના વચગાળાના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો, 30 ઓગસ્ટ સુધીમાં સરેન્ડર કરવું પડશે
જોધપુર જાતીય શોષણ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમના વચગાળાના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણય અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ રિપોર્ટના આધારે આપવામાં આવ્યો હતો. હવે આસારામે 30 ઓગસ્ટ સુધીમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં સરેંન્ડર કરવું પડશે.
રાજસ્થાન હાઈકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે મેડિકલ રિપોર્ટ મુજબ, આસારામનું સ્વાસ્થ્ય હાલમાં જેલમાં રહેવા માટે યોગ્ય છે. હાઈકોર્ટના જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનીત કુમાર માથુરની ડબલ બેન્ચે આ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે જો ભવિષ્યમાં તેની હાલત ગંભીર બને તો તે ફરીથી જામીન માટે અરજી કરી શકે છે, પરંતુ હાલમાં તે સ્વસ્થ છે અને તેને સજા ભોગવવા માટે જેલમાં પાછા ફરવું પડશે.
કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે આસારામે 30 ઓગસ્ટ સુધીમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં સેરેંન્ડર કરવું પડશે. હાલમાં, આસારામના વકીલ તરફથી વચગાળાના જામીન વધારવાની માંગ કરવામાં આવી હતી. સરકારી હોસ્પિટલના ત્રણ ડોક્ટરોએ તેમના મેડિકલ રિપોર્ટમાં આપેલા પ્રતિભાવના આધારે કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. જાતીય ગેરવર્તણૂકના ગંભીર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપી માટે આ નિર્ણયને મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે આસારામે 12 ઓગસ્ટે પણ જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ કોર્ટે મેડિકલ રિપોર્ટના આધારે રાહત આપી હતી અને તે સમયગાળો 29 ઓગસ્ટ સુધી લંબાવ્યો હતો, પરંતુ આ વખતે કોર્ટે સેરેંન્ડર આદેશ જારી કર્યો છે.