1. Home
  2. revoinews
  3. પ્રજાસત્તાક પર્વઃ તાપી જિલ્લાને સરકાર ભેટ, 124.48 કરોડના 20 કામોનું ઈ લોકાર્પણ
પ્રજાસત્તાક પર્વઃ તાપી જિલ્લાને સરકાર ભેટ, 124.48 કરોડના 20 કામોનું ઈ લોકાર્પણ

પ્રજાસત્તાક પર્વઃ તાપી જિલ્લાને સરકાર ભેટ, 124.48 કરોડના 20 કામોનું ઈ લોકાર્પણ

0
Social Share
  • તાપી જિલ્લાના 61 જેટલા વિકાસ કામોનું ઈ-લોકાર્પણ
  • મુખ્યમંત્રીએ ગુજરાત પોલીસ એક્સ્પોને જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો
  • વ્યારાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો

વ્યારાઃ  જિલ્લાના વડું મથક વ્યારા ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેરના નાગરિકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ યોજાયેલા સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના 61 જેટલા વિકાસલક્ષી કામો માટે રૂપિયા 240 કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને ખાત મુહૂર્ત કર્યું હતું. વ્યારામાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લાના વિવિધ આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ડોર ટુ ડોર કચરા માટે 50 ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે CM દ્વારા ગુજરાત પોલીસ એક્સ્પોને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

તાપીના વ્યારામાં શનિવારે સાંજે એટહોમ કાર્યક્રમ યોજાયો હતો અને દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી દ્વારા તાપી જિલ્લાને 240 કરોડના લોકાર્પણ તેમજ ખાતમુહુર્ત કરી 61 જેટલા વિકાસના કામોની ભેટ આપવામાં આવી હતી. જેમાં 124.48 કરોડના 20 કામોનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને 115.67 કરોડના 41 કામોનું ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે તાપી જિલ્લાના વિકાસ માટે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને કુલ 5 કરોડના ચેક આપવામાં આવ્યા હતા, સાથે તાપી જિલ્લાના વિવિધ ક્ષેત્રે સંકળાયેલ લોકો તેમજ વિવિધ રમત ક્ષેત્રે તાપી જિલ્લાનું નામ રોશન કરેલા ખેલાડીઓનું રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં વ્યારાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો હતો.

વ્યારા ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે, ડૉ. બાબાસાહેબ આંબેડકરના બંધારણને કારણે આપણે ભારતીય નાગરિક બન્યા. આદિજાતિના ભગવાન બિરસામુંડા પોતાની આદિવાસી સેના બનાવીને અંગ્રેજો સામે લડ્યા હતા. બિર સા મુંડા કોટી કોટી વંદન કરું છું. વધુમાં તેમણે નિઝરના બન્દ્રીનાથ દાદાને યાદ કર્યા અને વેડછીના જુગત રામને યાદ કર્યા હતા અને સમગ્ર આદિજાતિ વિસ્તારને મેં અને મારી ટીમ એ મક્કમતાથી આગળ વધાર્યો છે. જિલ્લાના વિકાસના કામો માટે 2.5 કરોડ જિલ્લા કલેકટર અને 2.5 કરોડ જિલ્લા વિકાસ અધિકારીને આપવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત @2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવા 76મા પ્રજાસત્તાકની પૂર્વ સંધ્યાએ સૌને એક બનીને ‘રાષ્ટ્રહિત પ્રથમ’ના ભાવ સાથે કર્તવ્યરત રહેવા આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તાપી જિલ્લાની પરિચય પુસ્તિકા “તાપી…પ્રકૃતિ, સંસ્કૃતિ અને શક્તિનો સંગમ” નું વિમોચન કરાયું હતું. આ પુસ્તિકામાં તાપી જિલ્લાને કુદરતે આપેલા અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્ય, પ્રકૃતિપ્રેમી આદિવાસી સમુદાયનો સાંસ્કૃતિક વારસો, જિલ્લાનો સૂવર્ણ ઇતિહાસ, જિલ્લાના 7 રત્નો સમાન 7 તાલુકાઓની માહિતીસભર જાણકારી તેમજ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિનો શ્રેષ્ઠ પરિચયનો સમાવેશ થયો છે.

76માં રાજયકક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી પૂર્વે તાપી જિલ્લા પોલીસ દ્વારા સૌમ્ય, શૌર્ય, ધીરજ અને તકનીકી કુશળતાને પ્રદર્શિત કરતા પોલીસ એક્સપોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો. મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને રસપૂર્વક નિહાળ્યા હતા. વ્યારા પોલીસ હેડકવાર્ટર ખાતે તા 27 મી જાન્યુઆરી સુધી ચાલનારા ત્રિ-દિવસિય પોલીસ એક્સ્પો સમાજના પ્રત્યેક નાગરિકને જવાનોની કર્તવ્યનિષ્ઠા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાને ઉજાગર કરતી કામગીરી નિહાળી શકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code