1. Home
  2. revoinews
  3. JEEમાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું
JEEમાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

JEEમાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

0
Social Share

 ભણતરના ભાર હેઠળ અવાર-નવાર કેટલાક વિદ્યાર્થીઓ એવુ અયોગ્ય પગલુ ભરી લેતા હોય છે જેના કારણે તેમના પરિવારની મુશ્કેલી વધી જાય છે. દરમિયાન ઉત્તરપ્રદેશમાં જીઈઈની પરીક્ષામાં નાપાસ થવાને કારણે એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને જીવનલીલા સંકેલી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ ઘટનાને લઈને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ એક ટ્વીટ કરીને સમગ્ર ઘટનાને લઈને દુખ વ્યક્ત કર્યું છે. તાજેતરમાં જ વડાપ્રધાન સહિતના મહાનુભાવોએ પરીક્ષા પે ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને તણાવને ઘટાડવા માટે ટીપ્સ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. દરમિયાન વિદ્યાર્થિનીની આત્મહત્યાની ઘટનાએ તમામને ચોંકાવી દીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોરખપુરની 18 વર્ષની વિદ્યાર્થિની પોતાના સફળ ભવિષ્યના સ્વપ્ન પૂર્ણ કરવા માટે જીઈઈની પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. દરમિયાન બે દિવસ પહેલા જીઈઈનું પરિણામ જાહેર થયું હતું. આ પરીક્ષામાં વિદ્યાર્થિની નાપાસ થઈ હતી. વિદ્યાર્થિની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. દરમિયાન વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં પોતાના રૂમમાં જ ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. JEE પરીક્ષામાં નાપાસ થયા બાદ, વિદ્યાર્થીનીએ બુધવારે સવારે તેના માતાપિતા સાથે વાત કરી હતી. તેણે તેના પિતાને તેનો મોબાઈલ રિચાર્જ કરવા કહ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ જ દુઃખી હતી. જ્યારે તે તેના ઘરે વાત કરી રહી હતી, ત્યારે તેની રૂમમેટ બહાર ગઈ હતી. જ્યારે રૂમમેટ પાછી આવી અને દરવાજો ખખડાવ્યો, ત્યારે તેને અંદરથી કોઈ જવાબ મળ્યો નહીં. તેણે રૂમની અંદર જોયું તો વિદ્યાર્થિની પંખા પર લટકતી જોવા મળી.

છોકરીએ તાત્કાલિક હોસ્ટેલ વોર્ડનને ઘટનાની જાણ કરી, ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ વિદ્યાર્થિનીના મૃતદેહને નીચે ઉતારીને પીએમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસને વિદ્યાર્થિનીના રૂમમાં એક સ્યુસાઈડ નોટ મળી હતી.  આ નોટમાં લખ્યું હતું, “માફ કરશો મમ્મી પપ્પા, મને માફ કરશો… હું આ કરી શક્યો નહીં…” વિદ્યાર્થી છેલ્લા બે વર્ષથી ગોરખપુરના એક કોચિંગ સેન્ટરમાં JEE ની તૈયારી કરી રહ્યો હતો.

સમગ્ર ઘટના અંગે દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ દુઃખ વ્યક્ત કરીને ટ્વીટ કર્યું હતું કે, અપેક્ષાના બોજ હેઠળ દબાઈને એક હોશિંયાર વિદ્યાર્થિની આમ જતી રહે તે દુઃખદ છે. જીવન કોઈ પણ પરીક્ષાથી મોટી હોય છે. આ વાત અભિભાવકોએ પણ ખુદ સમજવી પડશે અને સંતાનોને પણ સમજાવવી પડશે. હું અભ્યાસમાં ખુબ સામાન્ય હતો. અભ્યાસ અને જીવનમાં અનેકવાર નિષ્ફળતા મળે છે પરંતુ દરેક વખતે જીંદગી નવો રસ્તો બતાવે છે. મારી તમામને એટલી જ વિંનતી છે કે, નિષ્ફળતાને ક્યારેય અંતિમ મુકામ ના ગણો, કેમ કે જીંદગી હંમેશા બીજો મોકો આપે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code