રાજકોટ, 5 ફેબ્રુઆરી 2026: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી પરીક્ષા નિયામક મળતા નથી. યુનિવર્સિટીમાંથી અન્ય કેડરના ભરતી કરીને પરીક્ષા નિયામકપદે નિયુક્તિ કર્યા બાદ કોઈ કારણસર કર્મચારીઓ રાજીનામું આપી દેતા હોય છે. એટલે યુનિવર્સિટીને કાયમી કૂલપતિ મળવાના યોગ મળતા નથી. યુનિવર્સિટી દ્વારા પરીક્ષા નિયામકની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જોકે, તેમાં આ જ યુનિવર્સિટીના એક વહિવટી અધિકારી લાયક ઠર્યા હતા. જોકે તેમણે અરજી પરત ખેંચી લેતા હવે ફરી વખત જાહેરાત આપવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી પરીક્ષા નિયામક મળતા નથી. જેને લીધે વારંવાર પરીક્ષામાં છબરડાઓ સામે આવે છે. આ ઉપરાંત યુનિવર્સિટીના NAAC એક્રેડિયેશનમાં સારા પરફોર્મન્સનો આધાર જેના પર રહેલો છે એવા IQAC તેમજ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા CCDC સેન્ટરના કો-ઓર્ડીનેટર માટે થયેલી અરજીમાં એક પણ ઉમેદવાર લાયક ન ઠરતા હવે રિ-સ્ક્રુટીની કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 10 વર્ષથી પરીક્ષા નિયામકની જગ્યા ખાલી હતી. જેના પર 2 વર્ષ પહેલા અહીંના ગ્રંથપાલ નિલેશ સોનીની કાયમી પરીક્ષા નિયામક તરીકે ભરતી કરવામાં આવી હતી. જોકે, તેમની સળંગ નોકરી ન ગણાતા તેમને રાજીનામું આપી દીધું હતુ. ત્યારબાદ 13 સપ્ટેમ્બર, 2024ના કાયમી પરીક્ષા નિયામકની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જે બાદ 1 એપ્રિલ, 2025ના એલિજીબલ અને નોટ એલીજીબલ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં આ જ યુનિવર્સિટીના પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર ડૉ. મનીષ ધામેચા લાયક ઠર્યા. બાકીના 8 ઉમેદવારો નોટ એલીજીબલ જાહેર થયા. જે બાદ ડૉ. ધામેચા કાયમી કુલસચિવ બનવા માટેના ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા જોકે તે બાદ તેમના સ્થાને આંબેડકર યુનિવર્સિટીના અજયસિંહ જાડેજાની પસંદગી કરવામાં આવી. આ દરમિયાન પગારમાં નુકસાન થતું હોવાને કારણે ડૉ.ધામેચાએ પરીક્ષા નિયામક તરીકેની પોતાની અરજી પરત ખેંચી લીધી. જેથી, હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરીથી પરીક્ષા નિયામકની ભરતી માટેની જાહેરાત બહાર પાડવી પડશે.


