રાજકોટ, 27 ઓગસ્ટ 2026 : Saurashtra University’s new library closed સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં રૂપિયા 7.71 કરોડના ખર્ચે અદ્યત્તન લાઈબ્રેરી બનાવવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટેની આ અદ્યત્તન લાઈબ્રેરીનું ગત 2જી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ લાઈબ્રેરીના બિલ્ડિંગને તાળાં લાગેલા છે. 25 દિવસ બાદ પણ હજુ આ આધુનિક લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવી નથી. RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટીફીકેશન) સિસ્ટમ સાથે 5 લાખ પુસ્તકોનો ડિજિટલ રેકોર્ડ અને વાઈફાઇ રૂમ સાથેની સુવિધાસભર આ લાઇબ્રેરી રીડિંગ માટે ખૂલ્લી ન મુકાતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં રૂપિયા 7.71 કરોડના ખર્ચે લાઈબ્રેરી માટે અદ્યત્તન બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. અગાઉ કોરોના કાળને લીધે આ બિલ્ડીંગનું બાંધકામ અટક્યું હતું. ત્યારબાદ TRP અગ્નિકાંડને પગલે 9 મીટરથી વધુ ઉંચાઈવાળા બિલ્ડીંગમાં ફાયર NOC નો નિયમ આવતા નવી લાઇબ્રેરીનું લોકાર્પણ લાંબા સમયથી અટક્યું હતું. જોકે હવે જૂની લાઇબ્રેરીમાંથી પુસ્તકો સહિતની ચીજ વસ્તુઓ નવી લાઇબ્રેરીમાં શિફ્ટ કરવામાં તેમજ RFID લગાવવામાં ભારે વિલંબ કરાયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ 2021ના અંતમાં અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ કરવા માટે વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે બાદ કોરોનાને લીધે 8 માસ સુધી મજૂરો ન આવતા કામ શરૂ થઈ શક્યું ન હતું. જોકે બાદમાં આ બિલ્ડીંગનું કન્સ્ટ્રક્શન શરૂ થયું હતું અને વર્ષ 2024ના શરૂઆતમાં બિલ્ડીંગ સંપૂર્ણ તૈયાર થઈ ગયુ હતું. ત્યારબાદ ફાયર એનઓસીમાં ખૂબ વિલંબ થતા લાઈબ્રેરીનું લોકાર્પણ થઈ શક્યુ નહતું..
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ₹ 7.71 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ ત્રણ માળની લાઇબ્રેરીનું બિલ્ડીંગ કંઈક એ રીતે બનાવવામાં આવ્યું છે કે જેમાં સૂર્યના સીધા કિરણો આ બિલ્ડીંગ ઉપર પડે અને વિદ્યાર્થીઓ એક પોઝિટિવ ઉર્જા સાથે વાંચન કરી શકે. આ ઉપરાંત ઓટોમેથડ સિસ્ટમથી લાઇબ્રેરી કાર્યરત રહેશે એટલે વિદ્યાર્થીઓની એન્ટ્રી અને એક્ઝિટ આઈડી કાર્ડ સ્કેન કરતાની સાથે થઈ શકશે. તેમજ વિદ્યાર્થીઓ કોઈપણ સમયે ડ્રોપ બોક્સમાં પુસ્તક મૂકી પુસ્તક જમા કરાવી શકશે. આ અંગે યુનિવર્સિટીના સત્તાધિશોના કહેવા મુજબ લાઈબ્રેરીનું લાકાર્પણ તો કરી દેવામાં આવ્યું છે પણ ફાયર એનઓસીનું થોડુ કામ બાકી છે. જે પૂર્ણ થતાની સાથે જ ટૂંક સમયમાં આ અદ્યતન લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે.


