- ડેમમાંથી પાણી છોડાતા 17 ગામોને એલર્ટ કરાયા,
- ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક,
ભાવનગરઃ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ગણાતો શેત્રુંજી ડેમ આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ઓવરફ્લો થયો છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ખેડુતોમાં હરખ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને પગલે શેત્રુંજી ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યાં છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા આસપાસના લોકોને એલર્ટ કરાયા છે. તેમજ નદીકાંઠાના 17 ગામોને પણ એલર્ટ કરીને નદીપટમાં ન જવા અપિલ કરવામાં આવી છે.
શેત્રુંજી ડેમના ઉપરવાસ તેમજ અમરેલી જિલ્લામાં ભારે વરસાદને લીધે ડેમની જળ સપાટીમાં સતત વધારો થતો હતો. રવિવારે શેત્રુંજી ડેમ છલકાવવાની તૈયારીમાં હતો. અને ભયજનક સપાટીથી એક ફુંટ દુર હોવાથી હાઈએલર્ટ આપવામાં આવ્યું હતું. દરમિયાન આજે વહેલી સવારે શેત્રુંજી ડોમ છલકાતા ડેમના 20 દરવાજા એક ફુટ ખોલવામાં આવ્યા છે. તેથી કાંઠા વિસ્તારના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ, માઈધાર, મેંઢા તથા ભાવનગર તાલુકાના ભેગાળી, દાંત્રડ,પીંગળી, ટીમાણા, શેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા તથા સરતાનપર સહિતના ગામના લોકોને સાવધાન રહેવા જણાવાયું છે.
સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે પહેલી વખત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં 20 દરવાજાઓ 1 ફુટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં હાલ 1800 ક્યુસેક પાણીની આવક શરૂ છે. તેથી રૂલ લેવલ જાળવવા માટે જે રીતે પાણીની આવક થઈ રહી છે તે જ રીતે નદીના પટમાં શેત્રુંજી ડેમનું પાણી છોડવામાં આવી રહ્યું છે, ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર, પાલિતાણા ગારિયાધારનો પાણીનો પ્રશ્ન હલ થયો છે. તેની સાથોસાથ ભાવનગર જિલ્લાના અનેક ગામોને સિંચાઈનો પ્રશ્ન પણ હલ થયો છે. જેને પગલે ધરતીપુત્રો તથા શહેરીજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
આ અંગે ડેમ પરના ફરજ પરના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સતત ઉપરવાસમાંથી પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે, આજે વહેલી સવારેએ ડેમ 99 ટકા જેટલો ભરાય ગયો છે ડેમમાં વહેલી સવારે વાગ્યાથી 16232 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી, જે સતત પાણીની આવક શરૂ થઈ હતી અને જેના કારણે ડેમની સપાટી 33 ફુટ 11 ઈંચએ પહોંચી છે, હાલ પણ ઉપરવાસમાંથી ધસમસતો પાણીનો પ્રવાહ અવિરત પણે આવી રહ્યો છે જેના કારણે વહેલી સવારે 5 વાગ્યા આસપાસ ડેમ 100 ટકા ભરાય ગયો હતો અને 6 વાગ્યા આસપાસ 20 દરવાજાઓ 1 ફુટ સુધી ખોલવામાં આવ્યા છે.