
સંરક્ષણમાં આત્મનિર્ભરતાએ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક શરત છે: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભાર મૂક્યો છે કે સંરક્ષણમાં આત્મનિર્ભરતા એ માત્ર એક વિકલ્પ નથી, પરંતુ અસ્તિત્વ અને પ્રગતિ માટે એક શરત છે. તેમણે કહ્યું કે સરકાર માને છે કે આત્મનિર્ભર ભારત તેની વ્યૂહાત્મક સ્વાયત્તતાનું રક્ષણ કરી શકે છે. મંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં સંરક્ષણ પરિષદ દરમિયાન આ વાત કહી હતી.
ઓપરેશન સિંદૂરની સફળતા પર પ્રકાશ પાડતા સિંહે કહ્યું કે, આ ઓપરેશન દેશની વધતી જતી સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓનું એક ચમકતું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે સ્વદેશી સાધનોનો ઉપયોગ કરીને પાકિસ્તાની લક્ષ્યો પર સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલા ચોક્કસ હુમલાઓ દર્શાવે છે કે કોઈ પણ મિશન વિઝન, લાંબી તૈયારી અને સંકલન વિના સફળ થઈ શકતું નથી. તેમણે ભાર મૂક્યો કે દેશના દળોની સખત મહેનત અને સ્વદેશી સાધનો પર નિર્ભરતાએ ઓપરેશનને અસરકારક અને નિર્ણાયક રીતે અમલમાં મૂક્યું છે.
સુદર્શન ચક્ર મિશનને દેશની ભાવિ સુરક્ષા માટે ગેમ-ચેન્જર ગણાવતા મંત્રીએ કહ્યું કે, આ મિશનનો ઉદ્દેશ્ય દેશભરના મહત્વપૂર્ણ સ્થળોએ રક્ષણાત્મક અને આક્રમક બંને તકનીકોનો ઉપયોગ કરીને સંપૂર્ણ હવાઈ સુરક્ષા પૂરી પાડવાનો છે. મંત્રીએ કહ્યું કે, DRDO એ આ મહિનામાં સ્વદેશી સંકલિત હવાઈ સંરક્ષણ શસ્ત્ર પ્રણાલીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, દેશના તમામ યુદ્ધ જહાજો હવે ભારતમાં બનાવવામાં આવી રહ્યા છે.