
સુરતઃ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયથી હીરા ઉદ્યોગમાં ભારે ચિંતા
અમદાવાદઃ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ આકરા નિર્ણય લઈ રહ્યા છે, ત્યારે ટ્રમ્પે 2 એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના નિર્ણયથી હાહાકાર મચ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગેની વાત કરતા જણાવ્યું હતુ કે, ભારત અમારા પર 100 ટકા કરતા વધુ ટેરિફ વસૂલે છે, જેથી હવે અમે રેસિપ્રોકલ ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને કારણે સુરતના હીરા ઉદ્યોગમાં ચિંતાનું મોજું ફેલાયું છે, કારણ કે થોડા મહિનાઓથી હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છવાયેલો હતો, જોકે હાલમાં ઉદ્યોગની ગાડી ફરી પાટે આવી રહી છે, ત્યારે રેસિપ્રોકલ ટેરિફને હીરા અને જવેલરી ઉદ્યોગમાં જે ઉદ્યોગકારો અમેરિકા સાથે બિઝનેસ કરે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
આ અંગે જેમ્સ એન્ડ જવેલરી પ્રમોશન કાઉન્સિલના રીજીયોનલ ચેરમેન જયંતિ સાવલિયાએ જણવ્યું હતું કે, ભારતમાં રફ હીરાનું કટિંગ અને પોલિશિંગ કરવામાં આવે છે, જોકે અમેરિકા આપણી પાસે શૂન્ય ડ્યુટી લે છે, જ્યારે ભારત પાંચથી સાત ટકા ડ્યુટી ટેક્સ લે છે, બીજી તરફ ભારતથી USએ જતી જવેલરી પર અમેરિકા પાંચથી સાત ટકા ડ્યુટી લગાવે છે, જયારે ભારત 20 ટકા સુધીની ડ્યુટી લે છે.
આમ અમેરિકા કરતા ભારતમાં ડ્યુટી વધુ છે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા નિર્ણયને પગલે ભારતના ડાયમંડ અને જવેલરી ઉદ્યોગને મોટું નુકસાન થવાની શક્યતા છે, જોકે જ્યારથી આ સમાચાર આવ્યા છે, ત્યારથી GJEPC દ્વારા પગલાં લેવાનું શરુ કરવામાં આવ્યું છે, સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવશે, અને અમેરિકાની આ નીતિથી કેવી રીતે ઉદ્યોગને બચાવી શકાય તે અંગેનું આયોજન કરવામાં આવશે.