અમદાવાદ, 7 મે 2026: Temperatures rise ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીથી થોડી રાહત મળી હતી. હવે માવઠાની અસર ઓસરતા ફરીથી તાપમાનમાં વધારો થયો છે. અમદાવાદમાં આડે તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. જ્યારે અમરેલીમાં 42 ડિગ્રી અને રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના તમામ શહેરોના તાપમાનમાં વધારો થયો છે. આવતી કાલે સૌરાષ્ટ્રમાં રાજકોટ, દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે 10મી મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, સુરતમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ બાદ હવે વાતાવરણ સંપૂર્ણપણે બદલાયું છે. માવઠાની અસર ઓસરતાની સાથે જ સૂર્યદેવતાએ પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના સાત શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે, જેના કારણે હવે આકરો ઉનાળો શરૂ થયો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.
ગુજરાતમાં પાંચ સિસ્ટમ અસર કરી રહી છે. અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનો વરસાદી ગતિવિધિને મદદ કરી રહ્યા છે. જોકે આગામી 48 કલાક બાદ ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વરસાદી વાદળો વિખેરાઈ ગયા છે. આગામી 12 મે સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ-દમણમાં હવામાન મુખ્યત્વે સૂકું (Dry Weather) રહેશે. જે જિલ્લાઓમાં વાવાઝોડા અને પવનની ચેતવણી હતી, ત્યાં હવે પવનની ગતિ સામાન્ય થઈ છે, પરંતુ તેની સામે તાપમાનમાં વધારો થયો છે. તાપમાન વધવાની સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારો પણ વધ્યો છે. સુરત, દમણ અને વેરાવળ જેવા વિસ્તારોમાં તાપમાન ભલે 40°Cથી નીચે હોય, પરંતુ ભેજને કારણે અસહ્ય અકળામણ અનુભવાઈ રહી છે.


