LOC ઉપર હવે આતંકીઓની ઘુસણખોરી અટકશે, ભારતીય સેના રોબોટિક ખચ્ચરથી રાખશે નજર
નવી દિલ્હીઃ હવે પાકિસ્તાની આતંકવાદીઓને સરહદ પાર છુપાઈને ઘુસણખોરી કરવી ભારે પડશે. ભારતીય સેના હવે નિયંત્રણ રેખા (LOC) પર દેખરેખ અને લોજિસ્ટિક્સ મજબૂત બનાવવા માટે રોબોટિક ખચ્ચર અથવા મલ્ટી-યૂટિલિટી લેગ્ડ ઇક્વિપમેન્ટ (MULE)નો ઉપયોગ શરૂ કરી ચૂકી છે. આ અદ્યતન ઉપકરણો સેના માટે એવી આંખ અને કાન બની ગયા છે કે જેઓ એક સંકેત મળતાં જ દુશ્મનને સેકંડોમાં ઠાર કરી શકે છે.
સેના અધિકારીએ જણાવ્યું કે, ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવાતા આ રોબોટિક ખચ્ચર, સેનાના ટેકનોલોજીકલ ઇનોવેશનના ભાગરૂપે વિકસાવવામાં આવેલા અનેક આધુનિક પ્રયોગોમાંથી એક છે. તેમણે કહ્યું, “અમે નવી પેઢીના હથિયારો અને ઉપકરણોનો ઉપયોગ કરી રહ્યા છીએ. આ રોબોટિક ખચ્ચરોને પેટ્રોલિંગ માટે તૈનાત કરવામાં આવ્યા છે. એમાં લગાવાયેલા ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા અને સેન્સરથી ખતરો પહેલાથી જ ઓળખી શકાય છે.” સેના દ્વારા આ રોબોટિક ખચ્ચરનો ઉપયોગ ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો.
આ અદ્યતન રોબોટિક ખચ્ચર આર્ક વેન્ચર્સ (ARCV) ની નવી દિલ્હી સ્થિત સહાયક કંપની એયરોઆર્ક દ્વારા વિકસાવવામાં આવ્યા છે. એઆરસીવી મ્યુલ (MULE) વિવિધ સૈન્ય કાર્યો માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેમાં સરહદ સુરક્ષા, સંવેદનશીલ સંપત્તિની રક્ષા, જોખમી સામગ્રી (CBRNE) હેન્ડલિંગ, બૉમ્બ નિરોધક કામગીરી તથા ગુપ્તચર માહિતી એકત્ર કરવાનું કાર્ય સામેલ છે. આ ઉપકરણોને રીમોટ કંટ્રોલ દ્વારા અથવા સ્વાયત્ત રીતે સંચાલિત કરી શકાય છે. તેમાં આધુનિક કમ્પ્યુટર સિસ્ટમ, રિચાર્જેબલ બેટરી, આગળ-પાછળના સેન્સર અને લેગ્ડ મૂવમેન્ટ લગાવવામાં આવ્યા છે, જેથી તે દરેક પ્રકારના ભૂપ્રદેશમાં સરળતાથી ચાલી શકે.


