
- ધોરડામાં પ્રવાસીઓની વધતી જતી સંખ્યાને લીધે કરાયો નિર્ણય,
- 80 લાખ ચો.મી. વિસ્તારમાં 1600 ટેન્ટ તૈયાર કરવામાં આવશે,
- ટેન્ટસિટીથી મોટી કંપનીઓને ફાયદો થશે, સ્થાનિક રિસોર્ટ અને હોટલ સંચાલકો નારાજ
ભૂજઃ કચ્છના જાણીતા પર્યટન સ્થળ ધોરડોમાં દર વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સફેદ રણનો નજારો માણવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ ધોરડોની મુલાકાતે આવી રહ્યા છે. પ્રવાસીઓને આકર્ષવા માટે ગુજરાત સરકારે શરૂ કરેલા ‘રણોત્સવ’ને અકલ્પનીય સફળતા મળતા રાજ્ય સરકારે આ તક ઝડપી લઇને એક ખૂબ જ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં પણ તેનો અમલ પણ શરૂ કરી દેતાં સંભવત: ચાલુ વર્ષથી અથવા તો 2026નાં આરંભથી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ધોરડોમાં જ્યાં એક ટેન્ટ સિટી છે તેની સામે એકી સાથે ચાર નવી ટેન્ટ સિટી શરૂ થશે. જોકે ટેન્ટના ભાડા ખૂબ જ વધારે છે. તેના લીધે ધોરડા આજુબાજુમાં રિસોર્ટ અને હોમસ્ટે હોટલો પણ ખૂલ્લી છે. તેના લીધે મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે કચ્છના ધોરડોમાં નવા ચારેય ટેન્ટ સિટીના કોન્ટ્રેક્ટ પણ અલગ-અલગ.કંપનીઓને આપ્યો છે. તેથી ધોરડો આવતા પ્રવાસીઓને અલગ-અલગ પસંદગી મળી રહે અને દામ પણ કાબુમાં અને કિફાયતી રહે તેવો દાવ સરકારે ખેલ્યો છે. આ ચારેય ટેન્ટસિટીનું કામ પણ ધમધોકાર ચાલુ છે અને તેથી જ ધોરડોની અને રણના સૌંદર્યરૂપી સોનામાં હવે સુગંધ ભળી રહી છે
સૂત્રોના કહેવા મુજબ ધોરડો ટેન્ટ સિટીમાં એક દિવસનું રોકાણ એક પરિવારને સિઝન દરમિયાન 20 હજારથી વધુનો ખર્ચ કરાવે છે પરંતુ જો વિકલ્પ હશે તો ભાવ આપો આપ કાબુમાં આવશે અને સુવિધાઓ પણ સારી મળશે તેવું કહીને કચ્છમાં કાર્યરત ઉદ્યોગગૃહો આ ચાર ટેન્ટ સિટીના નિર્માણોને આવકારી રહ્યા છે. જ્યારે સ્થાનિક રિસોર્ટ સંચાલકો નારાજ છે. કારણ કે, એકી સાથે ચાર નવી ટેન્ટ સિટી માટે મોટા પાયે નાણા ખર્ચીને માળખાગત સુવિધા આપવામાં આવી રહી છે.પણ ભીરંડિયારાથી ધોરડો સુધી જે 38થી 40 રિસોર્ટ અને ‘હોમ સ્ટે’ છે કે જે આ સાઇટના વિકાસના પાયામાં છે, તેમને નળ જોડાણ અપાતા નથી, હોમ સ્ટે રજીસ્ટ્રેશન ખુદ રાજ્ય સરકારે જ કર્યું પણ હવે એ ‘રીન્યુ’ થતાં નથી, જમીનની માલિકીને મુદ્દો બનાવાયો છે.