1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. જામનનગરના સમુદ્રકાંઠાના કીચડિયા પક્ષીઓની ગણતરી કાલથી ત્રણ દિવસ સુધી કરાશે
જામનનગરના સમુદ્રકાંઠાના કીચડિયા પક્ષીઓની ગણતરી કાલથી ત્રણ દિવસ સુધી કરાશે

જામનનગરના સમુદ્રકાંઠાના કીચડિયા પક્ષીઓની ગણતરી કાલથી ત્રણ દિવસ સુધી કરાશે

0
Social Share
  • મરીન સેન્ચુરી વિસ્તારમાં ૩૦૦થી વધારે પ્રજાતિના યાયાવર પક્ષીઓનું રહેઠાણ,
  • વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ગણતરી કરાશે,
  • મરીન પાર્કમાં આલ્ગીદરિયાઇ શેવાળવાદળીડોલ્ફીનકાચબા જેવા જળચર પ્રાણીનો વારસો

જામનગરઃ દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક- મરીન સેન્ચુરી જામનગર ખાતે આવતીકાલે તા. 03 થી 05 જાન્યુઆરી, 2025 દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડીયા પક્ષીઓની ગણતરી-સેન્સસ યોજાશે. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન એવા જામનગર ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં કિચડીયા પક્ષીઓ તેમજ દરિયા કિનારાનાં પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞોના વકતવ્યો, બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન તેમજ ત્રીજા દિવસે નોલેજ શેરીંગ અને સમાપન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહેશે.

સમગ્ર વિશ્વમાં ગુજરાત અનેક જૈવવિવિધતા માટે જાણીતું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ વન – પર્યાવરણ મંત્રી  મુળુભાઇ બેરા અને રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલની આગેવાનીમાં વન વિભાગ દ્વારા પર્યાવરણ-જળચર સંરક્ષણ માટે અભૂતપૂર્વ કામગીરી કરવામાં આવી છે જેના પરિણામે ગુજરાતે આજે દેશભરમાં વન-પર્યાવરણ ક્ષેત્રે આગવી ઓળખ સ્થાપિત કરી છે.

આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત-BCSGના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે. BCSG પક્ષીઓ માટે છેલ્લાં 25 વર્ષથી ગુજરાતમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા છે. જે પક્ષીઓનું સંરક્ષણ, ગણતરી, નિરીક્ષણ તથા પક્ષીઓ પાછળનું વિજ્ઞાન અને તે અંગેની જન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરે છે.

ગુજરાતમાં આવેલું મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી ભારતનો સૌ પ્રથમ જાહેર કરવામાં આવેલું દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી એમ ત્રણ જિલ્લામાં વિસ્તરેલ મરીન નેશનલ પાર્કઅને મરીન સેન્ચુરીમાં ઓખાથી નવલખી સુધી અંદાજીત 170 કિ.મી. લાંબા દરિયાકાંઠા અને 42 ટાપુઓનો સમાવેશ થાય છે. કચ્છના અખાતમાં આવેલા આ પ્રોટેક્ટેડ એરીયાને અહીં જોવા મળતી દરિયાઇ જીવસૃષ્ટિ અને ચેર -મેન્ગ્રુવના સંવર્ધન અને સંરક્ષણના મુખ્ય ઉદ્દેશ્યથી જાહેર કરવામાં આવ્યો છે. આ ભારતમાં એકમાત્ર સ્થળ છે જ્યાં ઓટના સમય દરમિયાન પગપાળા પ્રવાસ કરીને દરિયાઇ જીવસૃષ્ટિનું અવલોકન કરી શકાય છે. જ્યારે અન્ય સ્થાનો ઉપર સ્કુબા ડાઇવીંગ કરવી અનિવાર્ય બની જાય છે.

મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં આલ્ગી, દરિયાઇ શેવાળ, વાદળી, સખત અને નરમ પરવાળા, ડોલ્ફીન, કાચબા, ડુગોંગ, પોરપોઇઝ, વિવિધ જાતિના કરચલાં, પફરફીશ, સ્ટારફીશ, બ્રિટલ સ્ટાર, ઓક્ટોપસની સાથે ચેરની વિવિધ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે.

આ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ સેન્ટ્રલ એશિયન ફ્લાયવેનો ભાગ હોવાથી આ વિસ્તારનું પક્ષી વૈવિધ્ય પણ ખૂબ જ સમૃદ્ધ છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (મધ્ય એશિયાઇ ઉડ્ડયનમાર્ગ) એ યુરોપ -એશિયામાં આર્કટીક અને હિન્દ મહાસાગર પર ફેલાયેલો છે. જેમાં ખાસ કરીને ઉત્તરે સાઇબેરીયાના બ્રિડીંગ ગ્રાઉન્ડસ-પક્ષીઓ પ્રજનન માટે ઉપયોગમાં લેતા વિસ્તારથી લઇને દક્ષિણ-પશ્ચિમી એશિયા, માલદિવ્સ અને બ્રિટીશ ઇન્ડીયન ઓશન ટેરેટરીમાં આવેલા નોન બ્રિડીંગ-વિન્ટર ગ્રાઉન્ડસ એટલે કે, શિયાળો પસાર કરવા માટેના વિસ્તારોનો સમાવેશ થાય છે. યાયાવર પક્ષીઓ ખાસ કરીને વોટર બર્ડસ-પાણીના પક્ષીઓ તેઓના વાર્ષિક પ્રવાસ દરમિયાન આ ફ્લાય વે મારફતે અનેક દેશો પરથી પસાર થઇને તેમનો પ્રવાસ પૂર્ણ કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code