1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઘોઘામાં સમુદ્રના પાણીની સુરક્ષા માટે અંગ્રેજોએ બનાવેલી દીવાલ તૂટી ગઈ
ઘોઘામાં સમુદ્રના પાણીની સુરક્ષા માટે અંગ્રેજોએ બનાવેલી દીવાલ તૂટી ગઈ

ઘોઘામાં સમુદ્રના પાણીની સુરક્ષા માટે અંગ્રેજોએ બનાવેલી દીવાલ તૂટી ગઈ

0
Social Share
  • સમુદ્રમાં હાઈટાઈડના સમયે દરિયાના પાણી ઘોઘા ગામમાં ઘૂંસી જાય છે
  • એક જમાનામાં ઘોઘા બંદરની જાહોજલાલી હતી
  • હવે 10 કરોડના ખર્ચે સંરક્ષક દીવાલ બનાવાશે

ભાવનગરઃ જિલ્લામાં ઘોઘા ગામ સમુદ્રના કિનારે આવેલું છે. એક જમાનામાં ઘોઘા બંદરની જાહોજલાલી હતી, અને દેશ-વિદેશના વેપાર-વણજ માટે જાણીતું હતું. તત્કાલિન સમયે અંગ્રેજોએ ઘોઘાને સમુદ્રના પાણીથી સુરક્ષિત કરવા માટે સંરક્ષણ દીવાલ બનાવી હતી. કાળક્રમે ખંભાતની ખાડીમાં અરબી સમુદ્રનો કાપ ઠલવાતો હોવાને લીધે ઘોઘા બંદર હવે નામનું રહ્યું છે. ઘોઘા ગામને દરિયાઈ સુરક્ષા પુરી પાડતી અને અંગ્રેજોના સમયમાં બનેલી સંરક્ષણ દીવાલ નામશેષ બની છે,. ઘોઘાને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ કે જે ઘણા વર્ષોથી સાવ તૂટી જતા હાઈટાઇડના સમયે દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જાય છે, ત્યારે ગામને દરિયાઈ પાણીથી બચાવવા આ દીવાલને ફરી બનાવવામાં આવે તેવી ગામલોકોની માંગ છે.  સરકારના ચાર વિભાગોમાં સંકલન અભાવે લોકો પર જોખમ તોળાઈ રહ્યું છે, જોકે આગામી સમયમાં હવે વહીવટીતંત્ર આ મામલે વિભાગો સાથે સંકલન સાધી દીવાલ બનાવવા કવાયત શરૂ કરી છે, અધિકારીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં અંદાજીત રૂ.10 કરોડના ખર્ચેં આ પ્રોટેક્શન વોલના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે.

ભાવનગર જિલ્લાનું ઘોઘાગામ કે જે ઘોઘાબંદર તરીકે જાણીતું છે. આ ઘોઘાબંદર એક સમયે વિશ્વના 80 કરતા વધુ દેશો સાથે વ્યાપાર માર્ગે જોડાયેલું હતું. જ્યાં પહેલાના વહાણવટાના સમયમાં મોટી સંખ્યામાં વહાણોની આવક-જાવક રહેતી હતી અને ઘોઘા બંદર ધમધમતું હતું. સમય જતા ઘોઘાબંદરમાં વહાણની અવરજવર ઓછી થઇ અને આજે અહીં માત્ર અલંગ સાથે કામગીરી કરતી ટગબોટની આવન જાવન જોવા મળી રહી છે. ઘોઘાબંદરના દરિયા કાંઠે ઘોઘા ગામ વસેલું છે.  ઘોઘાનો દરિયો કે જે ખંભાતનો અખાત પણ કહેવાય છે. ઘોઘાનો દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ઘરાવતો દરિયો છે. જેના કારણે ઘણીવાર હાઈટાઇડ કે વાવાઝોડા દરમિયાન દરિયાનું પાણી ગામમાં ઘુસી જતું હતું. ત્યારે અંગ્રેજોના સમયમાં આ દરિયાનું પાણી સુનામી કે હાઈટાઇડના કારણે ગામમાં ના ઘુસી જાય તે માટે દરિયાકાંઠે એક કિમી કરતા પણ વધુ લાંબી પ્રોટેક્શન દીવાલ બનાવવામાં આવી હતી. જે દીવાલ ઘોઘાના નીચાણવાળા વિસ્તારના દરિયા કાંઠે બનાવવામાં આવી હતી. પરંતુ કાળક્રમે આ દીવાલ દરિયાઈ મોજાની થપાટો ના મારથી તુટવા લાગી હતી.  હાલ આ દીવાલનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું છે. જેના કારણે હાઈટાઇડ કે વાવાઝોડાના સમયે દરિયાનું પાણી ગામમાં ઘુસી જતા વારંવાર આ ગામના લોકોને નુકશાની સહન કરવી પડે છે.

ઘોઘામાં સંરક્ષણ દીવાલ ફરી બનાવી આપવા ગ્રામજનો દ્વારા તંત્રને વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી તેનું કોઈ નક્કર પરિણામ નથી આવ્યું, આ પ્રોટેક્શન દીવાલ 1121  મીટર લાંબી છે. આ દીવાલની જવાબદારી ગુજરાત મેરીટાઇમ, લાઈટ હાઉસ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ તેમજ અલંગ મરીન બોર્ડ સહિત ચાર અલગ અલગ વિભાગો પાસે હોવાના કારણે તમામ વિભાગોની સહમતીના બનતા આજદિન સુધી આ દીવાલ અંગે કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકાયું નથી, પરંતુ હવે આ બાબતે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ તમામ ચારેય સરકારી વિભાગોનું સંકલન કરી એક સમિતિ બનાવી તેમાં તમામ વિભાગોની ગ્રાન્ટને એક વિભાગને સોંપી તેના દ્વારા આ કામ કરવામાં આવે તે અંગેની તંત્ર તૈયારી હાથ ધરશે એવું અધિકારીઓ કહી રહ્યા છે.

આ અંગે કમિટીના સભ્ય અને જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેરના કહેવા મુજબ ઘોઘામાં સંરક્ષણ દીવાલ બનાવવા સર્વેની કામગીરી હાલ શરુ છે. અને તેના પેપર વર્કની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી સમયમાં આ દીવાલ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે અને અંદાજીત રૂ. 10 કરોડના ખર્ચે આ પ્રોટેક્શન દીવાલ નવી બનાવવામાં આવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code