પાલનપુર, 27 ઓગસ્ટ 2026 : Women’s Congress holds a sit-in protest against inflation. શહેરના ગુરુનાનક ચોક ખાતે જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી અને ખાંડ, તેલ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધારાના વિરોધમાં ધરણા અને પ્રદર્શન કરાયા હતા. સરકાર વિરોધમાં નારા લગાવાયા હતા. દરમિયાન વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા કોંગ્રેસની કાર્યકરો અને આગેવાનોને પોલીસે અટકાયત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર થોડા સમય માટે રાજકીય માહોલ ગરમાયો હતો.
પાલનપુર શહેરમાં મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહિલા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. તેમણે સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો અને મોંઘવારીના કારણે સામાન્ય તથા મધ્યમ વર્ગના પરિવારોના બજેટ પર પડી રહેલા વધારાના ભારને લઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ દરમિયાન મહિલાઓએ ‘હાય મોંઘવારી હાય હાય’, ‘હાય ખાંડ હાય હાય’ અને ‘હાય તેલ હાય હાય’ જેવા નારા લગાવી સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
મહિલા કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે ખાંડ, ખાદ્યતેલ સહિતની રોજિંદા જીવનમાં ઉપયોગી વસ્તુઓના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ માટે ઘરનું બજેટ ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. તેમણે સરકારને મોંઘવારીને નિયંત્રણમાં લેવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી હતી.
ધરણા સ્થળે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલી મહિલા કોંગ્રેસની કાર્યકરો અને આગેવાનોને પોલીસે અટકાયત કરી હતી. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર થોડા સમય માટે રાજકીય માહોલ ગરમાયો હતો. પોલીસે અટકાયત બાદ મહિલાઓને સ્થળ પરથી હટાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


