
ટ્રેનમાં આગ લાગવાની અફવા ફેલાવનારાઓને કડક સજા થવી જોઈએ: રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાને કારણે અનેક લોકોના જીવ ગયા અને ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર ખૂબ જ દુઃખદ છે અને આવી પરિસ્થિતિ સર્જાવા પાછળના કારણોની તપાસ થવી જોઈએ. તેમજ જવાબદારો સામે આકરી કાર્યવાહી થવી જોઈએ.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રના જલગાંવમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં અનેક લોકોના મોત અને અનેક ઘાયલ થવાના સમાચાર અત્યંત દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી આશા રાખું છું. સરકાર અને વહીવટીતંત્રે ખાતરી કરવી જોઈએ કે ઘાયલોને શ્રેષ્ઠ શક્ય સારવાર મળે.
તેમણે કોંગ્રેસ કાર્યકરોને રાહત અને બચાવ કામગીરીમાં વહીવટીતંત્રને મદદ કરવા વિનંતી કરી હતી. કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે, “આગની અફવા કેવી રીતે ફેલાઈ અને આટલો ભયંકર અકસ્માત કેવી રીતે થયો તેની ઝડપી તપાસ થવી જોઈએ અને દોષિતોને કડકમાં કડક સજા મળવી જોઈએ.”
કોંગ્રેસે પણ પોતાના સત્તાવાર પેજ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, “મહારાષ્ટ્રમાં પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવાને કારણે ઘણા મુસાફરોના મોતના સમાચાર દુઃખદ છે. ભગવાનને પ્રાર્થના છે કે, તેઓ મૃતકોના પરિવારોને શક્તિ આપે. આ મુશ્કેલ સમયમાં, કોંગ્રેસ પરિવારની સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવાર સાથે છે.