1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમરેલીના લાઠી નજીક ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત
અમરેલીના લાઠી નજીક ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

અમરેલીના લાઠી નજીક ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત

0
Social Share

અમરેલી, 24 મે, 2026 : Three killed in accident between private bus and car જિલ્લાના લાઠી નજીક આવેલા કેરાળા ગામ પાસે ગત રાત્રે ખનગી બસ અને અલ્ટોકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર કેરાળા ગામ પાસે ખાનગી લક્ઝરી બસ અને અલ્ટો કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં  કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર ૩ પ્રવાસીના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  અમરેલી-લાઠી સ્ટેટ હાઈવે પર કેરાળા ગામ નજીક ગત રાત્રે પૂરપાટ ઝડપે આવી રહેલી ખાનગી બસ અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. કારમાં સવાર ૩ પ્રવાસીઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અકસ્માતની આ ભયાનક ઘટનાના પગલે હાઈવેની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી

આ અકસ્માતના બનાવની જાણ થતા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. લાઠી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ભારે જહેમત બાદ ટ્રાફિક હળવો કરાવીને હાઈવે પર વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતકોના શબને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતકોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન મૃતકોની ઓળખ થઈ ગઈ છે. જેમાં મૃતકોના નામ જીતેન્દ્રભાઈ ધનજીભાઈ પાટડિયા, ભરતભાઈ હરિભાઈ સોજીત્રા અને અસ્મિતાબેન ચતુરભાઈ ગઢીયા (ઉં વ.30) હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે જાણવા માટે પોલીસે ખાનગી બસના ચાલકની શોધખોળ હાથ ધરી છે, તેમજ બસમાં સવાર મુસાફરોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code