1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં વાહન અથડાવવા જેવી બાબતમાં બે સગા ભાઈઓ સહિત ત્રણની હત્યા
રાજકોટમાં વાહન અથડાવવા જેવી બાબતમાં બે સગા ભાઈઓ સહિત ત્રણની હત્યા

રાજકોટમાં વાહન અથડાવવા જેવી બાબતમાં બે સગા ભાઈઓ સહિત ત્રણની હત્યા

0
Social Share
  • કાળીચૌદશની મધ્યરાત્રિએ વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બબાલ થઈ હતી,
  • હુમલો કરનારા યુવાનની પણ હત્યા થઈ,
  • રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં બન્યો બનાવ,

રાજકોટઃ શહેરમાં ગત રાતે એટલે કે કાળી ચૌદશની મધ્યરાત્રીએ વાહન અથડાવવા જેવી નજીવી બાબતે ત્રિપલ હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી. શહેરના આંબેડકરનગરમાં એકસાથે ત્રણ હત્યા થતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસકાફલો મોડીરાત્રે ઘટનાસ્થળે દોડી ગયા હતો. આ બનાવમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર (ઉં.વ.45) અને વિજય વશરામ પરમાર (ઉં.વ.40)ની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ હતી. જ્યારે  સામા પક્ષે હુમલો કરનારા અરુણ બારોટની પણ હત્યા કરવામાં આવી હતી. આંબેડકરનગર વિસ્તારમાં મોડીરાત્રે ત્રણ-ત્રણ હત્યાને પગલે ખળભળાટ મચી ગયો છે. પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણનો બનાવ બન્યો હતો.  વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બન્ને જૂથના લોકો આમને-સામને આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં બે સગાભાઈનાં મોત થયાં હતા.  સામેના જૂથના લોકોએ છરી વડે હુમલો કરતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર (ઉં.વ.45) અને વિજય વશરામ પરમાર (ઉં.વ.40)નાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય લોકોને ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મૃતક બન્ને ભાઈના પિતા વશરામભાઇએ પોલીસને નિવેદન આપ્યુ હતું કે, મારા બન્ને દીકરા મજૂરીકામ કરતા હતા, જેઓ કામ કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન 10:30થી 11:00 વાગ્યા આસપાસ તેમનું વાહન સામે અથડાયું હશે, જેથી તેમને સામે જોઈને ચલાવવા બાબતે કહ્યું હતું. એ બાબતે બોલાચાલી થતાં સામેવાળા લોકોએ મારા બન્ને દીકરા એના દીકરા તેમજ મારી પુત્રવધૂ ઉપર છરીઓ ઉગામી છે, જેમાં મારા બન્ને દીકરાનાં મોત થઇ ગયાં છે. અમારા વિસ્તારમાં દારૂનું દૂષણ છે એ દૂર કરવામાં આવે એવી અમારી માગ છે. લુખ્ખા તત્ત્વો આવી રીતે દારૂ પીને લુખ્ખાગીરી કરતાં હોય છે.

આ બનાવની જાણ થતાં DCP ક્રાઇમ જગદીશ બાંગરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત માલવિયાનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા અને સમગ્ર ઘટનામાં બે સગા ભાઈઓનાં મોત થતાં માલવિયાનગર પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવા અને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવા તપાસ તજવીજ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં એક જૂથ અથડામણ થઈ હતી. એમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં છે, જેમાં મૃતકનું નામ અરુણભાઈ વિનુભાઈ બારોટ છે, સામે પક્ષે સુરેશભાઈ વશરામભાઈ પરમાર અને વિજયભાઈ વશરામભાઈ પરમાર છે જે બે સગાભાઈ છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code