1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ભાવનગરમાં છેલ્લા 5 દિવસથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ,183 વાહનચાલકો પાસેથી દંડ વસુલાયો
ભાવનગરમાં છેલ્લા 5 દિવસથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ,183 વાહનચાલકો પાસેથી દંડ વસુલાયો

ભાવનગરમાં છેલ્લા 5 દિવસથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ,183 વાહનચાલકો પાસેથી દંડ વસુલાયો

0
Social Share
  • વાહનો પર બ્લેક ફિલ્મ, ઓવરસ્પિડ અને સગીરચાલકો સામે કાર્યવાહી કરાઈ
  • ટ્રાફિક પોલીસે 31 વાહનો ડિટેઈન કર્યા
  • સગીર વયના બાળકો વાહનો ચલાવશે તો વાલીઓ સામે કાર્યવાહી કરાશે

ભાવનગરઃ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વાહનચાલકો સામે શહેર ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજી હતી. જેમાં છેલ્લા 5 દિવસમાં બ્લેક ફિલ્મ, ઓવર સ્પિડિંગ, અને સગીર વયના યુવાનો વાહન ચલાવતા પકડાયા હતા. ટ્પાફિક પોલીસે 5 દિવસમાં 183 વાહનચાલકો પાસેથી 4.30 લાખનો દંડ વસુલ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા સમયાંતરે શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગ કરવામાં આવશે. વાહનચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

એસ.પી.ની સૂચનાથી ટ્રાફિક પોલીસ દ્વારા પાંચ દિવસીય સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશમાં મુખ્યત્વે સગીર વયના વાહન ચાલકો, ઓવર સ્પીડ અને બ્લેક ફિલ્મ ધરાવતા વાહનો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ટ્રાફિક ​પોલીસ દ્વારા પાંચ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલ 9 ​પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયના ચાલકો વાહન ચલાવતા પકડાતા 31 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. પોતાના સગીર બાળકોને વાહન આપવા બદલ 21 જેટલા વાલીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કુલ 43 વાહનો સામે બ્લેક ફિલ્મના કેસ કરવામાં આવ્યા હતા, જ્યારે વધુ ઝડપે વાહન ચલાવનારાઓ વિરુદ્ધ 12 ગુના નોંધવામાં આવ્યા છે.

ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કુલ 183 વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી કુલ રૂપિયા 4,30,500 રકમનો માતબર દંડની રકમ વસૂલવામાં આવી છે. આ ડ્રાઈવમાં ભાવનગરના નીલમબાગ, ઘોઘારોડ, ગંગાજળિયા, બોરતળાવ, ભરતનગર, વરતેજ, ઘોઘા અને વેળાવદર ભાલ પોલીસ સ્ટેશન તેમજ ટ્રાફિક શાખાએ સંયુક્ત રીતે કામગીરી કરી હતી.

​ટ્રાફિક પોલીસે વાલીને ચેતવણી આપી છે કે, આગામી દિવસોમાં પણ ડ્રાઈવ ચાલુ રહેશે. વાલીઓને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના સગીર વયના બાળકોને ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર ચલાવવા ન આપે. જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાશે તો કાયદાની જોગવાઈ મુજબ વાલીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code