ભાવનગર, 08 માર્ચ 2026: Two killed after bike hits divider ગોહિલવાડ પંથકમાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ ઉમરાળાના જાળિયા ગામ પાસે સર્જાયો હતો. પૂરઝડપે બુલેટ બાઈક રોડ પરના ડિવાઈડર સાથે અથડાતા બાઈકસવાર બે યુવાનના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જાળીયા ગામે પાન-માવાની દુકાન ચલાવતા રવિ જીવરાજ ડાભીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો મોટો ભાઈ કમલેશ ડાભી (ઉં.વ. 24) તેના મિત્રો સદામખાન દોલતખાન પઠાણ અને સંજયભાઈ ઉર્ફે હકો સોલંકી સાથે બુલેટ નંબર GJ-01-MV-1775 પર સવાર થઈ લીમડા તરફ ગયા હતા. રાત્રિના આશરે સવા અગિયાર વાગ્યાની આસપાસ લીમડાથી પરત જાળીયા તરફ આવી રહ્યા હતા, ત્યારે શ્રીજી વોટર પાર્ક પાસે બુલેટચાલક સદામખાન પઠાણે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. બુલેટ રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ધડાકા સાથે અથડાતા બાઈકસવાર ત્રણેય મિત્રો ફંગોળાયા હતા,
અકસ્માતના બનાવની જાણ થતા જ પરિવારજનો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઢસા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ કમલેશ જીવરાજભાઈ ડાભી અને સદામખાન દોલતખાન પઠાણને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ત્રીજા મિત્ર સંજય સોલંકીની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમરેલી રિફર કરવામાં હતાં. અકસ્માતમાં બે આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે નાના એવા ગામ જાળીયા અને માંડવા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.


