અમદાવાદ, 9 એપ્રિલ 2026: Two men caught stealing mobile phones શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં મોબાઈલફોનની ચોરી કરતી ગેન્ગને ઝોન-3 ડીસીપીની સ્વોર્ડે પકડી પાડી છે. અમદાવાદમાં આઈપીએલ મેચમાં લોકોના મોબાઈલની ચોરી કરવા માટે ઝારખંડથી ફ્લાઈટમાં બે શખસો અમદાવાદ આવ્યા હતા. બન્ને શખસો મોબાઈલની ચોરી કરવામાં માહેર છે. પોલીસે બન્ને શખસો પાસેથી 21 મોબાઈલફોન કબજે કર્યા છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના ઝોન-3 DCP રૂપલ સોલંકીના LCB સ્કોડના PSI વી.એચ રાઠોડની ટીમે બાતમીના આધારે કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી રઘુ મહતો અને વિક્રમ મહતો નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 21 મોબાઇલ ફોન મળી આવ્યા હતા.આ સાથે આધાર કાર્ડ, એરલાઈન્સની ટિકિટ સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.
પોલીસની તપાસમાં વધુ એવી વિગતો મળી હતી કે, આરોપી રઘુ અમિત મોહંતીનો ભાઈ છે. રઘુ બધાને ઓપરેટ કરીને ઝારખંડથી અમદાવાદ લાવેલો હતો. લાસ્ટ ટાઇમ જ્યારે તે ચોરી કરવા આવ્યો ત્યારે તેને પોલીસની આવવાની ખબર પડી જતા તે ફરાર થઈ ગયો હતો. ત્યારથી પોલીસ રઘુને ટ્રેસ કરતી હતી. બન્ને આરોપી ઝારખંડથી ચોરી કરવા માટે ફ્લાઈટમાં અમદાવાદ આવ્યા હતા. આ આરોપીઓ દેશમાં જ્યાં આઈપીએલ રમાતી હોય ત્યાં પહોંચી જતા હતા. અને ભીડનો લાભ લઈને મોબાઈલફોનની ચોરી કરતા હતા. અગાઉ બેન્ગલુરૂમાં પણ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બે મોબાઈલની ચોરી કરી હતી. આરોપીઓ મોટી માત્રામાં અલગ-અલગ જગ્યાએથી ફોન ચોરી કરી ઝરાખંડમાં પોતાના ગામ જતા રહેતા હતા. અને વતનમાં જઈને સસ્તાભાવે મોબાઈલ ફોન વેચી દેતા હતા. ઘણીવાર મુંબઈ જઈને પણ ચોરેલા મોબાઈલફોન વેચતા હતા. આરોપીઓ મોબાઈલફોનની ચોરી કરીને સિલ્વર ફોઈલની અંદર બંધ કરીને ફોન મૂકી દેતા હતા આરોપીઓ એવું માને છે કે સિલ્વર ફોઈલ કવરને લીધે સિગ્નલ મળતા નથી એના કારણે એટલે કોઈ ફોન ટ્રાય કરે તો કોઈનો ફોન લાગે નહીં અને લોકેશન ટ્રેસ થાય નહીં. આરોપીઓએ મહેસાણા, આણંદ, અડાલજ અને અમદાવાદના કાળપુર રેલવે સ્ટેશન પરથી મોબાઈલ ફોન ચોર્યાની કબુલાતઆપી છે.


