ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મુદ્દે સિન્ડિકેટની બેઠકમાં હોબાળો
અમદાવાદ, 13 એપ્રિલ 2026: ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મામલે સિન્ડિકેટની બેઠકમાં હોબાળો થયો હતો. સિન્ડિકેટની બેઠકમાં સભ્યોએ યુનિવર્સિટીના વહીવટમાં કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને કુલપતિ નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પણ રજુઆતો કરવામાં આવી છે.
રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટીમાં અગાઉ ભ્રષ્ટાચારના મામલે વિદ્યાર્થી સંગઠનોએ પણ મોરચો માંડ્યો હતો. હવે મહત્વની ગણાતી સિન્ડિકેટની બેઠકમાં પણ સભ્યોએ હોબાળો મચાવીને કૂલપતિ અને રજિસ્ટ્રાર પાસે જવાબ માંગ્યો હતો. યુનિવર્સિટીની બાંધકામ કમિટી દ્વારા ટેન્ડરની રકમ કરતા ₹34 કરોડનો વધારાનો ખર્ચ મંજૂર કરવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સિન્ડિકેટ સભ્યોએ આ પ્રસ્તાવને અટકાવીને બિલ નામંજૂર કર્યા છે.
ગુજરાત યુનિવર્સિટીમાં કન્સલ્ટન્ટ તરીકે એક કંપની કામ કરી રહી છે, જેના સંચાલક મોટાભાગે ગુજરાત યુનિવર્સિટીમાં હાજર રહેતા હોય છે. આ કંપનીએ બાંધકામના જે કામ માત્ર ભાવ આપ્યા હતા, તે કામ પૂર્ણ થયા બાદ આપેલા ભાવમાં 34 કરોડનો ખર્ચ વધારે કર્યો છે. જે કરોડોનો ખર્ચ મંજૂર કરાવવા ગુજરાત યુનિવર્સિટી દ્વારા સિન્ડિકેટ બેઠકમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેને લઈને હોબાળો થયો હતો.
સિન્ડિકેટના એક સભ્યના કહેવા મુજબ યુનિના પૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યાના કાર્યકાળમાં 2022માં કન્સલ્ટન્ટ કંપનીના સંચાલકે કામ કરવાની ના પાડી હતી, છતાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોઈ કારણસર ટેન્ડર વિના આ માનીતી કંપનીને જ કામ આપવામાં આવ્યુ હતુ. રૂપિયા 34 કરોડનો આંકડો તો માત્ર 2 બાંધકામ કમિટીનો જ છે, પરંતુ છેલ્લા 3 વર્ષમાં એક્સ્ટ્રા એક્સેસ (વધારાનો ખર્ચ) જોવામાં આવે તો કરોડો રૂપિયા છે, જેથી આ કરોડો રૂપિયાનો ફાયદો કરાવવા ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ થયા છે.
સિન્ડિકેટની બેઠકમાં સભ્યોએ અન્ય મુદ્દાઓ પર રજૂઆત કરી છે. જેમાં કેટલાક અધિકારીઓને બહારથી લાવીને સીધા બેસાડી દેવામાં આવ્યા છે, જેમનો 1.50 લાખથી 2.25 લાખ સુધીનો પગાર છે, તેમની ભરતીની વિગત માંગી છે. ગુજરાત યુનિવર્સિટીની FD કેટલી વાપરવામાં આવી છે? કોની મંજૂરીથી વાપરવામાં આવી છે? તેની વિગત માંગવામાં આવી છે. બે વર્ષમાં યુનિવર્સિટી દ્વાર કોને કેટલી ગિફ્ટ આપવામાં આવી છે? તેની પાછળ કેટલો ખર્ચ થયો છે? સેક્શન 8 કંપનીઓમાં કેટલો ખર્ચ નાખવામાં આવ્યો છે? આમ આ તમામ મુદ્દે કુલપતિ અને રજિસ્ટ્રાર પાસે ખુલાસો માંગવામાં આવતા યુનિનું રાજકારણ ગરમાયું છે.


