
વર્લ્ડ નંબર–1 આર્યના સબાલેંકાએ શાનદાર કમબેક કરતા અમેરિકન સ્ટાર જેસિકા પેગુલાને હરાવીને યુએસ ઓપન 2025ના ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય સમય મુજબ શુક્રવારે રમાયેલા સેમીફાઇનલ મુકાબલામાં બેલારુસની ખેલાડીએ 4-6, 6-3, 6-4થી જીત મેળવી હતી. ગયા વર્ષની ફાઇનલનો રિમેચ માનવામાં આવતો આ મુકાબલો સબાલેંકા માટે નબળી શરૂઆતથી શરૂ થયો હતો. પહેલો સેટ ગુમાવ્યા બાદ તેમણે જબરદસ્ત રીતે વાપસી કરી અને 43 વિનર્સ તથા 8 એસના સહારે સ્થાનિક દર્શકો સામે પેગુલા પર દબાણ ઊભું કર્યું.
પેગુલાએ પહેલો સેટ શાનદાર રીતે રમ્યો, માત્ર ત્રણ અનફોર્સ્ડ એરર કર્યા અને શરૂઆતના બ્રેક એક્સચેન્જ બાદ લીડ મેળવી લીધી, પરંતુ બીજા સેટથી સબાલેંકા નવા આત્મવિશ્વાસ સાથે કોર્ટ પર પરત આવી. તેમણે સતત ત્રણ ગેમ જીતી અને પોતાના આક્રમક અંદાજથી રમતનું પરિણામ બદલી નાંખ્યું. નિર્ણાયક સેટમાં સબાલેંકાએ પહેલો જ ગેમ બ્રેક કર્યો અને છઠ્ઠા ગેમમાં ત્રણ બ્રેક પોઇન્ટ બચાવીને પોતાની દ્રઢતા દર્શાવી. જોકે પેગુલાએ બે મેચ પોઇન્ટ બચાવીને મુકાબલાને વધુ રોમાંચક બનાવી દીધો, પરંતુ સબાલેંકાએ ફોરહેન્ડ વિનર સાથે જીત નક્કી કરી અને જોરદાર ઉજવણી કરી. હવે ફાઇનલમાં સબાલેંકાનો મુકાબલો જાપાનની ચાર વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન નાઓમી ઓસાકા અને અમેરિકાની આઠમી વરીયતા ધરાવતી અમાન્ડા અનિસીમોવા વચ્ચેના વિજેતા સાથે થશે.