- મહારાષ્ટ્ર, તમિલનાડુ, અને રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટથી પ્રવેશ મેળવ્યો,
- 62 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા,
- એક વિદ્યાર્થીએ તો LLBનો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો હતો
સુરતઃ ગુજરાતમાં બહારની યુનિવર્સિટીઓની ફેક ડિગ્રીને આધારે વિવિધ યુનિવર્સિટીઓની ફેકલ્ટીઝમાં પ્રવેશ પ્રવેશ મેળવવાના બનાવો બનતો હોય છે. દરેક યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીના પ્રવેશ બાદ તેના સર્ટીફિકેટની તમામ થતી હોય છે. પણ ઘણા કિસ્સામાં આવા કેસ પકડાતા નથી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફેક માર્કશીટથી પ્રવેશનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. અને છેલ્લા ત્રણ વર્ષમાં 62 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટ-ડિગ્રીના આધારે એડમિશન લેતા તેમના પ્રવેશ રદ કરાયા છે. આ 62 વિદ્યાર્થીઓમાંથી એક બોગસ વિદ્યાર્થીએ તો બે વર્ષ સુધી MBBSનો અભ્યાસ કર્યો, બીજાએ LLBનો અભ્યાસ પૂર્ણ પણ કરી લીધો હતો. જ્યારે ત્રીજા વિદ્યાર્થીએ B.Com.માં પ્રવેશ લઈ અભ્યાસ ચાલુ કરી દીધો હતો. યુનિવર્સિટી અન્ય રાજ્યોમાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માર્કશીટ ક્રોસ વેરિફિકેશન કરાવે છે, જેમાં આ રેકેટ પકડાયું હતું. પકડાયેલી તમામ ફેક માર્કશીટ તામિલનાડુ, NIOS, કેરલા, રાજસ્થાન તથા મહારાષ્ટ્રની અલગ-અલગ સંસ્થાઓની હતી.
ગુજરાતમાં બહારના રાજ્યોની યુનિવર્સિટીઓની ફેક માર્કશીટ બનાવીને પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ પકડાતા હોય છે. બહારના રાજ્યોના વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યા બાદ એના માર્કશીટ અને ડિગ્રી સર્ટીફિકેટનું વેરીફિકેશન કરવામાં આવતું હોય છે. અને જે તે યુનિવર્સિટીને પણ જાણ કરવામાં આવતી હોય છે. આ પ્રકિયા લાંભી હોવાથી ઘણીવાર તો વિદ્યાર્થી પોતાનો અભ્યાસ પણ પૂર્ણ કરી લેતો હોય છે. એક વિદ્યાર્થીએ NIOSની ધો.12ની બોગસ માર્કશીટથી એનટીએની નીટ આપી હતી. જે સ્કોરથી જ ભરૂચની મેડિકલ કોલેજમાં પ્રવેશ લઈ MBBSનો 2 વર્ષનો અભ્યાસ કરી પૂર્ણ કરી લીધો હતો. ત્યારબાદ યુનિવર્સિટીએ ખરાઈ કરતાં ભાંડો ફૂટ્યો હતો. અને પ્રવેશ રદ કરાયો હતો. આવો બીજો બનાવ જોઈએ તો રાજસ્થાનની શ્રીધર યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓએ LLBમાં પ્રવેશ લઈ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. સનદ મેળવવા જતા મામલો બહાર આવ્યો. જેથી યુનિવર્સિટીએ શ્રીધર યુનિ.થી આવનારા વિદ્યાર્થીઓની તપાસ કરી તો 15 બોગસ કેસ પકડાયા હતા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષમાં ફેક માર્કશીટને આધારે પ્રવેશ મેળવનારા 62 વિદ્યાર્થીઓ પકડાયા છે.