સૌરાષ્ટ્રમાં ફરી હવામાનમાં પલટો, સવારે ધૂમ્મસભર્યુ વાતાવરણ, બપોરે ગરમીનો અહેસાસ
રાજકોટ, 30 જાન્યુઆરી 2026: શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં ફરીવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે વહેલી સવારે ધૂમ્મસભર્યુ વાતાવરણ સર્જાયુ હતું. પણ બપોરના ટાણે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થતાં ઠંડી ગાયબ થઇ ગઇ હતી. આમ લોકોએ બે ઋતુનો અનુભવ કર્યો હતો.
રાજકોટમાં આજે વહેલી સવારે ધૂમ્મસ બાદ હવામાં ભેજ 79 ટકા સાથે લઘુતમ તાપમાન 15 ડિગ્રી થઇ જતા ઠંડી સાવ સામાન્ય થઇ ગઇ હતી.વહેલી સવારે આકાશમાં વાદળો પણ છવાયા હતા. નલિયામાં 8.6 ડિગ્રી સાથે તિવ્ર ઠંડી યથાવત રહી હતી. જયારે પોરબંદરમાં 12.8, વેરાવળમાં 18.7 અમરેલીમાં 14.6, ભાવનગરમાં 17.7, ભુજમાં 12.6, , દિવમાં 15.8, દ્વારકામાં 15.8, કંડલા ખાતે 15.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવી દીધા હતા. સુસવાટા મારતા 8 કિમિ ઝડપે ફૂંકાયેલા બર્ફિલા પવનના કારણે સૂર્યાસ્ત બાદ વાતાવરણમાં ફરી ટાઢોડુ છવાયુ હતુ. ઉતર-પુર્વના ઠંડા પવનના કારણે શહેર સહિત જિલ્લાભરમાં જનજીવન ઠીંગરાયુ હતુ. જિલ્લામાં ચાલુ સિઝનમાં મોડી શરૂ થયેલી ઠંડીએ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં જોર પકડયુ હતુ. આજે લઘુતમ તાપમાન ઉચકાયા પછી પણ વેગીલા વાયરાથી વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું.
આ ઉપરાંત સોરઠ પંથકમાં ગઇકાલે ભારે હીમ ભર્યા પવન સાથે ઠંડીનો પારો 10 ડિગ્રીએ નીચે ગયા બાદ આજે ફરી તાપમાનમાં 4.2 ડિગ્રી વધી જવા પામ્યુ છે. જયારે પવનની ગતિ પણ ઘટી જતા ઠંડીમાં રાહત અનુભવાઇ છે. આજે સવારે નોંધાયેલા તાપમાન મુજબ મીનીમમ 14.2 ડિગ્રીને પારો નીચે જવા પામ્યો છે. ભેજ વધીને 88 ટકા જવા પામ્યો છે. જયારે પવનની ગતિ પણ ઘટીને 3.7 પ્રતિ કલાક કિલોમીટર રહેવા પામી છે.


