ભાવનગર, 19 ફેબ્રુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશનના ગાર્બેજ વાહનના ચાલકે પૂરઝડપે અને ગફલતરીતે વાહન ચલાવીને એક્ટિવા સ્કૂટરને અડફેટે લેતા સ્કૂટરચાલક યુવાનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે મૃતકના પિતાની ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે કચરાગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડની બહાર મોડીરાત્રે મ્યુનિસિપાલિટીની કચરાના વાહનએ એક્ટિવા ચાલકને ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવમાં નિલમબાગ પોલીસે કચરાગાડીના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવ અંગે સિહોર તાલુકાના ભોજાવદરના રહેવાસી પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ સિંઘલે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, 17 ફેબ્રુઆરીના રાત્રિના આશરે બે-સવા બે વાગ્યાના અરસામાં તેઓનો દીકરો બાદલ (ઉં.વ. 26) જે બે-ત્રણ વર્ષથી ભાવનગર રહેતો હતો અને સ્પા-મસાજ પાર્લરનું કામ કરતો હતો. રાત્રિના આશરે બે વાગ્યાના અરસામા સિટીમાં કોઈ કામ સબબ દીકરો બાદલ એક્ટિવા નંબર GJ-04-ES-4472 લઈ જતો હતો, તે સમયે એસટી બસ સ્ટેન્ડની બહાર રોડ પર સામેથી આવતી મ્યુનિસિપાલટીની કચરા ગાડી જેના ઉપર ઓન કોન્ટ્રાક્ટ વિથ બી.એમ.સી. લખેલું હતુ, તેના ચાલકે પૂરપાટ ઝડપે બેફિકરાઈથી ચલાવી તેઓના દીકરો બાદલના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં બાદલને માથાના અને કપાળના ભાગે તથા પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી સારવારમાં તેનું મોત નીપજ્યું છે. આ ફરિયાદના અનુસંધાને પોલીસે કચરાની ગાડી નંબર GJ-06-BX-0427ના ચાલક સામે BNS 106(1), 281, તેમજ મોટર વાહન અધિનિયમ 184, 177 હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


