ભાવનગર, 11 મે 2026: 6 killed as family’s car from Bhavnagar falls into valley near Manali હિમાચલમાં કૂલુ મનાલી ફરવા ગયેલા ભાવનગરના પરિવારની કાર ચંબા-નૂરપુરના નેશનલ હાઈવે સાઈડની ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં હિમાચલના એક ડ્રાઈવર અને ભાવનગરના પરિવારના 5 લોકોનાં મોત થયા છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસે 4 લોકોને ખાઈમાંથી સલામત રીતે બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. એક જ પરિવારના દીકરી-જમાઈ અને ભાણેજ સાથે દંપતીનું મોત પરિવારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, ભાવનગરનો સિન્ધી પરિવાર કૂલુ મનાલી ફરવા માટે ગયો હતો. આજે વહેલી સવારે 3.30થી 4 વાગ્યા દરમિયાન પરિવાર મનાલીથી ડેલહાઉસી તરફ પ્રવાસે નીકળ્યો હતો, ત્યારે ચંબા નજીકના હાઈવે પર તેમની કાર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી ગઈ હતી. વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ક્રિસ્ટા કારમાં ગુજરાતના પ્રવાસીઓ મનાલીથી ડેલહાઉસી જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માત સમયે ભારે વરસાદ પણ પડી રહ્યો હતો. અને કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ઊંડી ખાઈમાં ખાબકી હતી.
ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં ગુજરાતના 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4ને માથામાં ઈજા થઈ હતી. છઠ્ઠા મૃતકની ઓળખ જસવંત કુમાર (ઉ,વ. 51) તરીકે થઈ હતી, જે મંડી જિલ્લાના જોગીન્દરનગર તહસીલના કોહરા ગામના રહેવાસી હતા. તે પ્રવાસીઓને લઈ જતી કારના ડ્રાઈવર હતા. પોલીસે ખાઈમાંથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
મૃતક લલિતભાઈના મિત્ર સુરેશ માખેજાએ જણાવ્યું હતું કે, મૃતક લલિતભાઈ ફતનાની ભાવનગરના ઘોઘાસર્કલ છાપરું સોસાયટીમાં રહેતા હતા અને બ્રોકરેજનું કામ કરતા સાથે સમાજ સેવક પણ હતાં. લલિતભાઈ ફતનાની અને એ લોકો બધા મનાલી ફરવા ગયા હતાં અને રાત્રે અઢી વાગ્યે એ લોકો રિટર્ન થતા હતાં, પછી ડ્રાઈવરે ગાડીનો કાબૂ ગુમાવ્યો અને ખાઈમાં ગાડી પડી ગઈ હતી. મૃતકોમાં એક લલિતભાઈ ફતનાની (ઉ.વ 59) છે, તેમના પત્ની સોનિયાબેન (ઉ.વ. 56) દીકરી કાજલબેન (ઉ.વ 36), લલિતભાઈના જમાઈ પ્રિયાંકભાઈ (ઉ.વ.39) અને એક તેમનો દીકરો દિવ્યાંશુ 9 વર્ષ સહિત 5નાં મોત થયા છે. જ્યારે લલિતભાઈના દીકરા મયંકભાઈ, તેના પત્ની ફોરમબેન અને તેનો દીકરો જિયાંશ અને તેના જમાઈની દીકરી પ્રિયાંશી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


