થરાદ, 29 જુન, 2026 : Farmers demand release of water in canals ઉત્તર ગુજરાતમાં ઘણાબધા ખેડૂતોએ સિચાઈનું પાણી મળી રહેશે એવી આશાએ ખરીફ પાકનું વાવેતર કરી દીધુ છે. પણ હવે વરસાદ ખેંચાતા અને બીજીબાજુ સિચાઈનું પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આવી સ્થિતિ વાવ-થરાદ લાખણી અને દીઓદર તાલુકાની છે. કેનાલમાં પાણી ન છોડાતા ખરીફ પાકસુકાઈ રહ્યો છે. ત્યારે લાખણી તાલુકાના વાસણા ગામ નજીક સુજલામ સુફલામ કેનાલ પર ખેડૂતો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.અને કેનાલમાં સત્વરે પાણી છોડવાની માગ કરવામાં આવી હતી.
સરહદી એવા વાવ-થરાદ જિલ્લામાં નહેર કાંઠા વિસ્તારના ખેડૂતોએ સિચાઈ માટેનું પાણી મળી રહેશે એવી આશાએ ખરીફ પાકનું વાવેતર કરી દીધુ છે. હવે એક બાજુ વરસાદ ખેંચાઈ રહ્યો છે. અને બીજીબાજુ કેનાલમાંથી પણ સિચાઈ માટેનું પાણી મળતું નથી. આથી વાવ, થરાદ, લાખણી અને દિયોદર તાલુકાના સેંકડો ખેડૂતો લાખણીના વાસણા ગામ નજીક સુજલામ સુફલામ કેનાલ પર એકત્રિત થયા હતા. ખેડૂતોએ સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે ઢોલ વગાડી વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
ખેડૂતોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે અગાઉ કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરી હતી, પરંતુ વાસ્તવમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડ્યું નથી. જેના કારણે બાજરી, મગફળી તેમજ પશુઓના ઘાસચારા જેવા ખરીફ પાક સુકાવાની ભીતિ ઊભી થઈ છે. વરસાદના અભાવે વાવેતરનો કિંમતી સમય પસાર થઈ રહ્યો હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે ભારે ખર્ચ અને મહેનત બાદ તૈયાર કરેલા ખેતરો પાણીના અભાવે સૂકાઈ રહ્યા છે. સાથે જ પશુધન માટે પીવાના પાણી અને લીલા ઘાસચારાની સમસ્યા પણ ગંભીર બની રહી છે. અનેક વખત સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી.
ખેડૂત આગેવાનોએ સરકારને 12 કલાકનું અલ્ટિમેટમ આપતાં ચેતવણી ઉચ્ચારી છે કે જો આ સમયગાળામાં સુજલામ સુફલામ કેનાલમાં પૂરતું સિંચાઈનું પાણી છોડવામાં નહીં આવે તો વાવ, થરાદ, લાખણી અને દિયોદરના ખેડૂતો મોટી સંખ્યામાં ચાંગા પમ્પિંગ સ્ટેશનમાં ધામા નાખીને ઉગ્ર આંદોલન શરૂ કરશે. આ દરમિયાન કાયદો- વ્યવસ્થાની કોઈપણ પરિસ્થિતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે હોવાનું પણ ખેડૂતોએ સ્પષ્ટ જણાવ્યું હતું.


