અંબાજી, 29 જુન, 2026 : Devotees thronged Ambaji today for darshan due to Jeth Purnima. સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં આજે જેઠ સુદ પૂનમ (વટ સાવિત્રી પૂર્ણિમા) નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અને ‘નાના અંબાજી’ તરીકે ઓળખાતા ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ સમાન આ પવિત્ર દિવસે સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતુ.. દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક એવા અંબાજી મંદિરમાં પૂનમના પાવન અવસરે વહેલી સવારથી જ ભક્તોનો મહાસંગમ જોવા મળ્યો છે.
શક્તિપીઠ એવા અંબાજીમાં આજે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. આરતી દરમિયાન સમગ્ર મંદિર પરિસર ‘બોલ માડી અંબે જય જય અંબે’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે. અંબાજીમાં સિદ્ધિ વિનાયકની આરતી બાદ આદ્યશક્તિ માતાજીની આરતી અને ત્યાર બાદ અંબિકેશ્વર મહાદેવની આરતી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લીન થઈને ધન્યતા અનુભવી હતી. પૂનમના વિશેષ અવસરે મંદિર પ્રશાસન દ્વારા સમગ્ર પરિસરને રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યું હતું, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
અંબાજી નજીક આવેલા યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે પણ જેઠ પૂનમે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. વ્રતની પૂનમ હોવાના કારણે સમગ્ર જિલ્લા તેમજ રાજ્યભરમાંથી માઈભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે. વહેલી સવારે યોજાયેલી મંગળા આરતી વખતે જ મંદિરનો પ્રખ્યાત ચાચર ચોક ભક્તોથી ચિક્કાર ભરાઈ ગયો હતો. કમળ પર બિરાજમાન આદ્યશક્તિ શ્રી અંબિકા માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી, ચરણોમાં શીશ ઝુકાવી અને મંદિરની પ્રદક્ષિણા કરીને ભક્તોએ કૃતજ્ઞતા અનુભવી હતી.


