1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 7.30 લાખ વિદ્યાર્થીઓએ કર્યો ડ્રોપઆઉટ
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 7.30 લાખ વિદ્યાર્થીઓએ કર્યો ડ્રોપઆઉટ

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 7.30 લાખ વિદ્યાર્થીઓએ કર્યો ડ્રોપઆઉટ

0
Social Share
  • શિક્ષણ પાછળ અઢળક ખર્ચ છતાં વિદ્યાર્થીઓ શિક્ષણને અલવિદા કહી રહ્યા છે
  • વર્ષ 2022-23માં પ્રા, શાળાઓમાં 85.88 લાખ વિદ્યાર્થીઓ હતા
  • વર્ષ 2023-24માં ઘટીને 78.47 લાખ થયા,

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર હાલ ચાલી રહ્યું છે. રાજ્યના 2025-26ના બજેટ સાથે જે આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી તે મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં એક જ વર્ષમાં 7.30 લાખ વિદ્યાર્થી ડ્રોપ આઉટ થયા છે. વર્ષ 2022-23માં રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં  85.77 લાખ વિદ્યાર્થી હતા તે 2023-24માં ઘટીને 78.47 લાખ થઇ ગયા છે. તેની સામે રાજ્યમાં પ્રાથમિક શાળાઓની સંખ્યા 44,285 હતી તે વધીને 44,288 થઇ ગઇ છે. શાળાઓની સંખ્યામાં વધારો થવા છતાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના ડ્રોપ આઉટમાં વધારો થયો છે. આવી સ્થિતિ માધ્યમિક શાળાઓમાં પણ જોવા મળી રહી છે.

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. વિદ્યાર્થીઓ ભણતર અધુરૂ છોડી જવું તે ચિંતાનો વિષય છે. ડ્રોપ આઉટ રિશયો ઘટાડવા માટે સરકાર દ્વારા પુરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેથી પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયાનો દર જે ઇ.સ.1996-97ના વર્ષમાં 49.49 ટકા હતો તે નોંધપાત્ર પ્રમાણમાં ઘટીને ઇ.સ.2022-23ના વર્ષમાં માત્ર 1.17 ટકા થઇ ગયો છે. પરંતુ તેની સામે ધો.8 પાસ થયા બાદ માધ્યમિક શાળામાં પ્રવેશનો દર ઘણો જ ઓછો છે. ગુજરાતની સામાજિક-આર્થિક સમીક્ષા 2024-25માં જણાવાયું છે કે ધો.1થી ધો.8 એટલે કે પ્રાથમિક શાળાઓમાં રાજ્યમાં કુલ વિદ્યાર્થીઓ 78.47 લાખ છે તેની તુલનામાં માધ્યમિક શાળાઓમાં માત્ર 27.41 લાખ જ વિદ્યાર્થીઓ ભણવા પહોંચે છે. એટલે કે કુલ 51.06 લાખ વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ લીધા બાદ શાળાને અલવિદા કહી છે. રાજ્યમાં માધ્યમિક કક્ષાએ 2022-23માં 28.15 લાખ વિદ્યાર્થીઓ હતા તે 2023-24માં ઘટીને 27.41 લાઇ થઇ જતા એક વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં 74 હજારનો ઘટાડો થયો છે. પ્રાથમિકની જેમ હવે માધ્યમિક કક્ષાએ પ્રવેશોત્સવની ખરી આવશ્યકતા છે. કારણ કે પ્રાથમિક શાળામાંથી માધ્યમિક શાળા સુધી પહોંચતા 65 ટકાથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ છોડી દેતા હોય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક હોય કે માધ્યમિક, શાળાએ આવતા વિદ્યાર્થીઓ અધુરૂ ભણતર ન છોડી છે એટલા માટે રાજ્ય સરકારે અનેક પ્રોત્સાહક યોજનાઓ અને નીતિઓ ઘડી અમલમાં મુકી છે. પણ આ આંકડા જોતા લાગે છે કે આ નીતિ હજુ માધ્યમિક કક્ષાએ સફળ થઇ નથી. આમ, રાજ્યમાં પ્રાથમિકની જેમ માધ્યમિક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ ભણતર ચાલુ રાખે તેવી અસરકારક નીતિ ઘડાશે તો જ ગુજરાત ખરા અર્થમાં મોખરાનું રાજ્ય થશે. પ્રાથમિકમાંથી માધ્યમિક શાળામાં આવતા 65 ટકાથી વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે તે હકીકત છે. વિદ્યાર્થીઓ શાળા છોડી ન દે એટલા માટે સરકારે અનેક પ્રોત્સાહક યોજનાઓ ઘડી છે તેમાં વિવિધ પ્રકારની સ્કોલરશીપ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો, સાયકલ સહિત વિવિધ સહાય જેવી યોજનાઓ ઘડી હોવા છતાં જોઇએ તેવી સફળતા મળી નથી.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસ છોડવાના કારણોમાં  વિદ્યાર્થીઓને ઘરકામમાં જોતરી દેવા, ગામમાં શાળા ન હોવી, બહારગામ કે દુર સુધી અપ-ડાઉન કરી ભણવા જવાનું, ભણતર માટેનો વધતો જતો ખર્ચ, કામ-ધંધામાં લાગી જવાનું કે મજૂરી કામે બેસાડી દેવા, વિ. કારણોસર જરૂર પુરતુ અક્ષરજ્ઞાન મેળવી ભણતર છોડી દેતા હોય છે. (File photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code