ગાંધીનગર, 26 મે,2026 : 8 lions die due to suspected disease called ‘babesiosis ગીરના જંગલ અને નજીકના રેવન્યુ વિસ્તારમાં વિહાર કરતા 8 સિંહના બબેસિઓસિસ નામની શંકાસ્પદ બિમારીને લીધે મોત નિપજતા વનવિભાગ તાત્કાલિક હાઈએલર્ટ પર આવી ગયો છે અને વન્યજીવોને બચાવવા માટે સઘન બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમરેલી અને ગીર પશ્ચિમ જંગલમાં 5 સિંહના મોત થયા હતા. જ્યારે ધારી ગીર પૂર્વના ગીર ગઢડા સરહદ વિસ્તારમાં છેલ્લા 10 દિવસમાં જ 3 સિંહબાળના પણ મોત થતાં વનવિભાગ સહિત વન્યજીવ પ્રેમીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. ગાંધીનગરના પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) જયપાલસિંહે આ સમગ્ર મામલે માહિતી આપી છે. નોંધનીય છે કે, ‘બબેસિઓસિસ’ (Babesiosis) જેવા જીવલેણ વાઈરસથી સિંહના મોત થયાની આશંકા છે.
ગુજરાતનું ગૌરવ અને એશિયાટિક સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીરના જંગલમાં 8 સિંહના મોતથી વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સૌરાષ્ટ્રના ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વનવિભાગમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (CDV) અને બેબેસિયા જેવા જીવલેણ રોગચાળાના કારણે ટૂંકા ગાળામાં 8થી વધુ સિંહોના મોત નીપજ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને પગલે વનવિભાગ તાત્કાલિક હાઈએલર્ટ પર આવી ગયો છે અને વન્યજીવોને બચાવવા માટે સઘન બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જમાં ગીર ગઢડા સરહદ પર એક જ દિવસમાં 2 સિંહોના ભેદી રોગથી મોત થયા હતા. આ ઉપરાંત, ગીર પશ્ચિમ હેઠળ આવતી બાબરીયા અને જામવાળા રેન્જમાં પણ 2થી વધુ સિંહોના મોત નોંધાયા છે.
સિંહના મોત અંગે ગાંધીનગરથી પ્રિ.સી.સી.એફ. જયપાલસિંહે વિગતો આપતા જણાવ્યું છે કે, ‘અગાઉ પણ અલગ-અલગ વિસ્તારોમાં બે સિંહબાળના મોત થયા હતા. જંગલમાં સિંહ પર મંડરાઈ રહેલા રોગચાળાના ખતરાને જોતા વનવિભાગ અત્યંત સતર્ક બન્યું છે. વનવિભાગની ખાસ ટીમો દ્વારા સિંહોની સુરક્ષા અને તેમના સ્વાસ્થ્ય માટે જંગલના પ્રભાવિત વિસ્તારોમાં સતત રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ અને ટ્રેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે.’
ગીરના જંગલમાં સિંહોમાં આ પ્રકારે રોગચાળો ફેલાવો એ વનવિભાગ માટે મોટો ચિંતાનો વિષય છે, કારણ કે ભૂતકાળમાં પણ આવા રોગો સિંહ માટે કાળ સાબિત થયા છે. વર્ષ 2018માં ગીરની દલખાણીયા રેંજમાં સિંહમાં બબેસિઓસિસ વાઈરસ ફેલાયો હતો, જેમાં અસંખ્ય સિંહોના ટપોટપ મોત થયા હતા. વર્ષ 2020-2021માં ધારી અને ખાંભા ગીર વિસ્તારમાં આજ બબેસિઓસિસ વાઈરસના કારણે અનેક સિંહોના મોત થયા હતા.
ધારી ગીર પૂર્વના ડીસીએફ (DCF) વિકાસ યાદવના કહેવા મુજબ અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં આ ચાલુ સિઝન દરમિયાન એકપણ સિંહનું મોત થયું નથી. વનવિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં આશરે 350 જેટલા સિંહોનું સઘન નિરીક્ષણ અને તપાસ કરવામાં આવી છે, જેથી રોગચાળાને આગળ વધતો અટકાવી શકાય. હાલ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ગીરના પ્રભાવિત વિસ્તારોમાં કેમ્પ કરીને સિંહોની સ્થિતિ પર કડક નજર રાખી રહ્યા છે.


