1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. GUTSના 84 વિદ્યાર્થીઓને ડૉક્ટર્સની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરાયા
GUTSના 84 વિદ્યાર્થીઓને ડૉક્ટર્સની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરાયા

GUTSના 84 વિદ્યાર્થીઓને ડૉક્ટર્સની ડિગ્રી અને પ્રમાણપત્ર એનાયત કરાયા

0
Social Share

ગાંધીનગરઃ પ્રત્યારોપણ-ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં વિશ્વપ્રસિદ્ધ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ- મેડિસિટીમાં કાર્યરત ભારતની ટોચની સંસ્થા-ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના પાંચમા પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે યુરોલૉજી, નેફ્રોલૉજી, બાળ ચિકિત્સા નેફ્રોલૉજી અને ઍનેસ્થેસિયોલૉજીના ૮૪ સ્નાતકોત્તર ડૉક્ટર્સને પદવી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. પ્રત્યારોપણ વિજ્ઞાનમાં સેવા, શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે કાર્યરત આ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમના માનવસેવા માટેના સમર્પણ, મહેનત અને નિષ્ઠા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અભિનંદન આપ્યા હતા.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું કે, આ નિશ્ચિતપણે ગર્વની વાત છે કે ગુજરાત પ્રત્યારોપણ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના શ્રીમતી જી.આર. દોશી અને શ્રીમતી કે.એમ. મહેતા કિડની રોગ અને સંશોધન કેન્દ્ર તેમજ ડૉ. એચ.એલ. ત્રિવેદી પ્રત્યારોપણ વિજ્ઞાન સંસ્થાને એક નવો ઈતિહાસ સર્જ્યો છે. આજે પદ્મશ્રી ડૉ. એચ.એલ. ત્રિવેદીજીના આત્માને નિશ્ચિતપણે આનંદની અનુભૂતિ થઈ રહી હશે. વર્ષ – 1981માં, જ્યારે ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં વિચારવું પણ મુશ્કેલ હતું, ત્યારે તેમણે એક દુરંદેશી ભર્યા દ્રષ્ટિકોણ સાથે આ અભિયાન શરૂ કર્યું હતું. આજે તેમનું આ સપનું સાકાર થતું જોવું એ અત્યંત આનંદની વાત છે.

આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો દ્રષ્ટિકોણ હંમેશા નવનિર્માણ અને ઉત્કૃષ્ટતા તરફનો રહ્યો છે. તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં ચિલ્ડ્રન યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી અને ટીચર્સ ટ્રેનિંગ યુનિવર્સિટી જેવી સંસ્થાઓની સ્થાપનાથી દેશને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. આ જ શૃંખલામાં ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસની સ્થાપના પણ તેમના ‘ડ્રિમ પ્રોજેક્ટ્સ’નો ભાગ છે, જે ભારતને વૈશ્વિક કક્ષાએ અન્ય રાષ્ટ્રોની સમકક્ષ મૂકવાના તેમના સંકલ્પને દર્શાવે છે.

ગુજરાત યુનિવર્સિટી ઑફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિસના વાઈસ ચાન્સેલર ડૉ. પ્રાંજલ મોદી અને તેમની સમગ્ર ટીમના માનવ સેવા પ્રત્યેના સમર્પણ અને નિષ્ઠા અભૂતપૂર્વ છે. તેમણે પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે આ સંસ્થાને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડી છે એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, મહેનત અને લગનથી આ સંસ્થા આવનારા સમયમાં વધુ ઊંચાઈઓને આંબશે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું કે, આજકાલ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એટલી ઝડપથી વિકાસ થઈ રહ્યો છે કે દુનિયા દરરોજ આગળ વધી રહી છે. પરંતુ આપણને ગર્વ છે કે, ભારત ક્યારેક વિશ્વગુરુ અને ‘સોને કી ચીડિયા’ હતું, જ્ઞાન અને સમૃદ્ધિ બંને ક્ષેત્રોમાં સર્વોપરી હતું. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ વર્ણન મળે છે કે, વિશ્વભરના લોકો શિક્ષણ મેળવવા માટે ભારત આવતા હતા અને અહીંના ગુરુકુલોમાં અભ્યાસ કરતા હતા. આજે ભારત ફરીથી વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાતની આ પાવન ભૂમિ, જેણે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મહાપુરુષોને જન્મ આપ્યો, ફરીથી પોતાની ઐતિહાસિક ભૂમિકા નિભાવી રહી છે.

આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું કે, મહાપુરુષો એ હોય છે જેઓ નવી કેડી કંડારે છે અને બીજા લોકોને તે માર્ગે ચાલવા માટે પ્રેરિત કરે છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી આવા જ મહાપુરુષ છે. તેમની દુરંદેશી દ્રષ્ટિ અને પ્રેરણાથી આજે ભારત આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

આજે આપણા યશસ્વી ડૉક્ટર્સ અને આરોગ્ય ક્ષેત્રમાં કાર્યરત નિષ્ણાતો, માનવ સમાજની સેવાના ભેખધારી મિશનમાં જોડાયેલા છો, ત્યારે તે માત્ર આપણા દેશ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયક છે. આજે સ્થિતિ એવી છે કે ભારતીય નાગરિકોને વિદેશમાં સારવાર કરાવવાની જરૂર નથી પડતી; પરંતુ, સમગ્ર દુનિયા સારવાર માટે ભારતનો ભણી આવી રહી છે. આ વાત જણાવતાં આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, દેશનું ગૌરવ વધારવાનું કાર્ય તમે યુવાન ડોક્ટર્સ કરી રહ્યા છો, આ માટે તમે પ્રશંસા અને અભિનંદનના પાત્ર છો. ગુજરાતમાં આરોગ્ય વિભાગ જે રીતે પ્રગતિના પંથે છે, તેનાથી સ્પષ્ટ છે કે, ભારત આવનારા સમયમાં આરોગ્યના ક્ષેત્રમાં વિશ્વમાં ક્રાંતિ કરશે.

સ્નાતકોત્તર ડૉક્ટર્સને માર્ગદર્શન આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ જણાવ્યું કે, આપણા શાસ્ત્રોમાં લખેલું છે કે, વિદ્યાર્થી અભ્યાસ પછી જ્યારે કાર્યક્ષેત્રમાં જાય, તો ત્યારે તેનો ધ્યેય શું હોવો જોઈએ? શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે, ‘પરજનો અભિવર્ષદ’. એટલે કે, જેમ વાદળ સમુદ્રના ખારા પાણીને મીઠું બનાવીને ઉપાડે છે અને જ્યાં જરૂર છે એવી જમીન પર વરસાવીને જીવન આપે છે. તેમ એક વિદ્યાર્થીએ પણ પોતાનું જ્ઞાન પોતાની પાસે મર્યાદિત રાખવું જોઈએ નહીં. જ્ઞાનને સમાજના કલ્યાણ માટે વહેંચવું જોઈએ. તમારા જ્ઞાન અને કૌશલ્યનો હેતુ લોકોને સ્વસ્થ અને નિશ્ચિંત કરવાનું હોવો જોઈએ.

તેમણે કહ્યું કે ડૉક્ટરનો વ્યવસાય માત્ર એક કારકિર્દી નથી, પરંતુ તે સમાજસેવાનું સૌથી પવિત્ર સ્વરૂપ છે. જ્યારે એક બીમાર વ્યક્તિ ડૉક્ટર પાસે જાય છે, ત્યારે તે ડૉક્ટર પ્રત્યે અખૂટ વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે. તમે પણ અનુભવ્યું હશે કે જ્યારે ડૉક્ટર એક બીમાર વ્યક્તિનો હાથ પકડીને કહે છે કે, “ચિંતા ન કરો, તમે સંપૂર્ણ રીતે ઠીક થઇ જશો,” ત્યારે દર્દીની અડધી બીમારી ત્યાં જ ઓછી થઈ જાય છે. આ ડૉક્ટર અને દર્દી વચ્ચેના વિશ્વાસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

અંતમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજે દેશમાં રોગચાળો વધી રહ્યો છે તેનું મુખ્ય કારણ વર્તમાન ખાદ્યપદાર્થો અને યુરિયા, ડીએપી જેવા કેમિકલયુક્ત અનાજ છે. આપણે સૌએ ભૌતિક વિકાસની સાથે સાથે પ્રકૃતિને સંભાળવી પણ અનિવાર્ય છે, માટે પ્રાકૃતિક ખેતી દ્વારા સાત્વિક આહાર લેવો જોઈએ. શુદ્ધ સાત્વિક આહાર એ સ્વસ્થ સ્વાસ્થ્યનું પ્રથમ પગથિયું છે તેમ તેમણે જણાવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code