1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં કેન્દ્રની સ્વચ્છતા સર્વેક્ષણ ટીમની મુલાકાત ટાણે જ ડમ્પિંગ સાઈટમાં લાગી આગ
ગાંધીનગરમાં કેન્દ્રની સ્વચ્છતા સર્વેક્ષણ ટીમની મુલાકાત ટાણે જ ડમ્પિંગ સાઈટમાં લાગી આગ

ગાંધીનગરમાં કેન્દ્રની સ્વચ્છતા સર્વેક્ષણ ટીમની મુલાકાત ટાણે જ ડમ્પિંગ સાઈટમાં લાગી આગ

0
Social Share
  • ડમ્પિંગ સાઈટમાં લાગેલી આગને કાબુમાં લેવા ફાયર વિભાગની જહેમત
  • કચરાના ઢગલાંમાંથી ગેસ નીકળતો હોવાથી આગ વધુ પ્રસરી
  • કચરાના વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી

ગાંધીનગરઃ શહેરના સ્વચ્છ બનાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણ સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ શહેરની મુલાકાતે આવી છે. ત્યારે જ સેકટર-30માં આવેલી ડમ્પિંગ સાઈટ પર આગ લાગી હતી. અને કચરાના ઢગલાંઓમાં ગેસને કારણે આગને કાબુમાં લેતા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

પાટનગર ગાંધીનગરને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતાક્રમે લાવવા માટે મ્યુનિ.કોર્પોરેશનનું  તંત્ર ઘણા સમયથી પ્રયાસો કરી રહ્યુ છે. બીજીતરફ ગાંધીનગરમાં સ્વચ્છતા મામલે થયેલી કામગીરીની આકસ્મિક ચકાસણી માટે કેન્દ્ર સરકારની ટીમ ગાંધીનગરની મુલાકાતે આવી છે ત્યારે આ જ સમયે શહેરના સેક્ટર-30માં આવેલી ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કચરાના ઢગમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી હતી.

સૂત્રોના જમાવ્યા મુજબ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભારત સરકાર દ્વારા દર વર્ષે શહેરી અને ગ્રામ્ય એમ બે કેટગરીમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવે છે. હાલ શહેરી વિસ્તારો માટેનું સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યું છે. સમગ્ર દેશના 4500 જેટલા શહેરોની સ્વચ્છતાનો સરવે કરવામાં આવશે અને વિવિધ માપદંડોના આધારે દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદી તૈયાર કરવામાં આવશે. દર વર્ષે આ પ્રકારનું સર્વેક્ષણ થાય છે. ગત વર્ષે સર્વેક્ષણમાં ગાંધીનગરનો નંબર 23મા ક્રમે આવ્યો હતો. ગાંધીનગરને આ યાદીમાં આગળ લાવવા માટે જીએમસી દ્વારા પ્રયાસ થઇ રહ્યા છે. શહેરમાં સફાઇ માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થા, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ગાર્બેજ સેગ્રીગેશન, ડમ્પિંગ સાઇટની વ્યવસ્થા, ગંદા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા સહિતના માપદંડને ધ્યાને લઇને માર્ક્સ આપવામાં આવે છે.

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનના નિષ્ણાતોની ટીમ બુધવારે જ ગાંધીનગરની મુલાકાતે આવી છે. આ મુલાકાત આકસ્મિક હોય છે અને તંત્રને જાણ કર્યા વિના જ આ ટીમ પોતાની રીતે શહેરી વિસ્તારની સ્વચ્છતાની સ્થિતિ અને તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ટીમની મુલાકાત સમયે જ ગાંધીનગરમાં ડમ્પિંગ સાઇટમાં આગની ઘટના બની છે. કચરાના ઢગમાંથી ગેસ નીકળતો હોવાથી આગ બુઝાવવામાં જહેમત ઉઠાવવી પડી છે. બીજીતરફ સ્વચ્છ સર્વેક્ષણમાં ડમ્પિંગ સાઇટની વ્યવસ્થા મહત્વની હોવાથી નિષ્ણાતોની ટીમ પણ તેની મુલાકાત લેશે પરંતુ આ સમયે જ આગ લાગતા આ બનાવ ગાંધીનગરના સ્વચ્છ સર્વેક્ષણ માટે નેગેટીવ બને તેવી શક્યતા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code