
- દર્દીઓથી સિવિલ-સ્મિમેર હોસ્પિટલ ઊભરાઈ,
- ઓપીડીમાં પ્રતિદિન 10થી 12 ટકા વધુ નોંધાતા કેસ,
- વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો
સુરતઃ શહેરમાં છેલ્લા 20 દિવસથી વરસાદી વાતાવરણને લીધે મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. મલેરિયા, ડેન્ગ્યૂ, ઊલટી-ઝાડા, શરદી-ખાંસી, તાવ સહિત રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરની નવી સિવિલ હોસ્પિટલમાંથી ઓપીડીમાં દરરોજ 10થી 12 ટકા વધુ કેસ આવી રહ્યા છે. છેલ્લા 12 દિવસમાં સુરતમાં ઝાડા-ઊલટી અને તાવથી બાળકો સહિત 10નાં મોત થયાં છે. દરમિયાન મ્યુનિ.ના આરોગ્ય વિભાગે મચ્છરોનો ઉપદ્રવ નાશ કરવા માટે જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે.
શહેરમાં વરસાદી વાતાવરણને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ગયા મહિને એટલે કે, જૂન મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો, નવી સિવિલ હોસ્પિટલમાં 223 મલેરિયા અને 113 ડેન્ગ્યૂ સહિત અન્ય રોગોના કુલ 733 દર્દી દાખલ થયા હતો. જૂનના છેલ્લા અઠવાડિયાથી શહેરમાં ચોમાસાએ દસ્તક આપી છે. આ ઋતુમાં સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ મોંઘી સાબિત થઈ શકે છે. નવી સિવિલ સ્પિટલના તબીબે જણાવ્યું હતું કે હવામાનમાં ફેરફારની અસર હવે લોકો પર દેખાઈ રહી છે, જેના કારણે મચ્છરજન્ય રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યામાં 10થી 12 ટકાનો વધારો થયો છે. વરસાદની ઋતુમાં મલેરિયા, ડેન્ગ્યૂ, શરદી, ફ્લૂ વાઇરલ તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે. ભારે વરસાદને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં ખાડીનું પાણી-પ્રવેશ્યાં હતાં. એ જ સમયે સોસાયટીઓમાં પાણી ભરવાથી મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. મલેરિયા અને ડેન્ગ્યૂ ઉપરાંત, વરસાદ દરમિયાન હેપેટાઇટિસ, ટાઈફોઈડ, કમળો અને તીવ્ર ગેસ્ટ્રો અને ચામડી પર ખંજવાળના દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા છે.
સુરત સિવિલ હોસ્પિટલનાં તબીબોના કહેવા મુજબ છેલ્લા 15 દિવસથી ચોમાસાનો વરસાદી માહોલ છે. વરસાદ બંધ થયા બાદ હોસ્પિટલમાં દર્દીઓનો ક્રમશઃ વધારો થતો હોય છે. સિવિલ હોસ્પિટલમાં મુખ્ય બે મેડિસન અને પીડિયાટ્રિક વિભાગમાં 600થી વધુ ઓપીડી આવી રહી છે. સામાન્ય દિવસ કરતા તેમાં ક્રમશઃ વધારો થયો છે. હાલ જે દર્દીઓ આવે છે તેમાં ઝાડા-ઊલટી, શરદી-ઉધરસ, તાવ અને ચામડીના ખંજવાળનો દર્દીઓનો સમાવેશ થાય છે.