ગાંધીનગર, 25 જાન્યુઆરી 2026: ગાંઘીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના નેતૃત્વવાળી ઠાકોરસેના દ્વારા આગામી તા,27મી ને મંગળવારે સવારે ત્રણ વાગ્યે ગાંધીનગરના રામકથા મેદાનમાં અભ્યુદય નામે સંમેલન યોજાશે, આ સંમેલન માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સંમેલન વહેલી સવારે 3 વાગ્યે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા સંમેલનના નામે પાટનગરમાં મોટું શક્તિ પ્રદર્શન કરાશે. આગામી 27મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે 3 વાગ્યે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે ‘અભ્યુદય’ નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ઠાકોર સેનાથી વધુ જાણીતા થયા બાદ કોંગ્રેસમાં આવ્યા હતા. અને ત્યારબાદ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ ઠાકોરને મંત્રી મંડળમાં સ્થાન મળશે તેવી અટકળો ચાલી હતી. પણ અલ્પેશ ઠાકોરને મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ નથી. ગુજરાતમાં સમાજ સુધારણાના નામે વિવિધ સમાજોના સંમેલનો યોજાઈ રહ્યા છે. ઠાકોર સમાજનું પણ અગાઉ સંમેલન યોજાયુ હતું, હવે ઠાકોર સેના દ્વારા ગાંધીનગરના રામકથા મેદાન ખાતે આગામી 27મી જાન્યુઆરીના રોજ ‘અભ્યુદય’ નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ઠાકોર સેનાની પ્રવૃત્તિઓ મધ્યમ ગતિએ ચાલી રહી હતી, પરંતુ હવે તેને ફરી એકવાર આક્રમક રીતે સક્રિય કરવા માટે તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. થોડા વખત અગાઉ ગાંધીનગર ખાતે યોજાયેલી એક બેઠકમાં રાજ્યભરમાંથી 500થી વધુ હોદ્દેદારો અને 1000થી વધુ સ્વયંસેવકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી એક વર્ષનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સામાજિક સુધારણા, વ્યસનમુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે.
ગુજરાતની રાજનીતિમાં ઠાકોર સમાજ એક નિર્ણાયક વોટ બેન્ક ગણાય છે. અગાઉ અનામત, વ્યસનમુક્તિ અને શિક્ષણ જેવા મુદ્દે આંદોલનો કરીને અલ્પેશ ઠાકોરે રાજકીય સમીકરણો બદલ્યા હતા. હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે, ત્યારે આ મહાસંમેલન યોજીને તેઓ ફરી એકવાર પોતાની સક્રિયતા સાબિત કરવાનો પ્રયાસ કરવાના હોવાનું રાજકીય વર્તુળોમાં ગણગણાટ શરુ થયો છે.


