વાપી, 30 જાન્યુઆરી 2026: વલસાડ જિલ્લાના વાપી નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ગઈ. તા 27મી જાન્યુઆરીને મંગળવારે પથ્થરમારાનો બનાવ બન્યો હતો. આ બનાવને પગલે રેલવે સુરક્ષા દળોએ તપાસ હાથ ધરીને બે આરોપીને દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
આ બનાવની વિગત એવી છે કે, ગત 27 જાન્યુઆરીએ જ્યારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વાપી નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અજાણ્યા અસામાજિક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. રેલવે સુરક્ષા દળ (RPF) એ આ ઘટનાની ગંભીરતાને જોઈને તુરંત તપાસ શરૂ કરી હતી. ટ્રેન અને એન્જિનમાં લાગેલા હાઈ-રિઝોલ્યુશન સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા રેલવે ટ્રેક પાસેના એક પોલ પાસે બે શંકાસ્પદ શખસોની ગતિવિધિઓ કેદ થઈ હતી. સીસીટીવી ફૂટેજના આધારે આરપીએફની ટીમે વાપીના મોરાઈ ગેટ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. પોલીસે ત્યાં રહેતા બે યુવકો સત્યેન્દ્ર કુમાર ઉર્ફે છોટુ (ઉ,વ.20 ) અને શ્રીપાલ શિવનરેશને હિરાસતમાં લીધા હતા. પૂછપરછ દરમિયાન સત્યેન્દ્ર કુમારે વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંકવાની વાત કબૂલી લીધી છે. હાલ આરપીએફ દ્વારા બંને આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાપી નજીક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ગત મંગળવારે બનેલી પથ્થરમારાની આ ઘટનામાં ટ્રેનના કોચ અને બોડીને આંશિક નુકસાન પહોંચ્યું હતુ, પરંતુ સદનસીબે કોઈ મુસાફરને ઈજા થઈ નથી. પથ્થરમારો થતા જ ટ્રેનમાં સવાર મુસાફરોમાં થોડીવાર માટે ગભરાટ ફેલાઈ ગયો હતો. રેલવે વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે હાઈ-સ્પીડ ટ્રેનોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં અને આવા ગુનેગારો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ વંદે ભારત જેવી સેમી-હાઈ સ્પીડ ટ્રેનોના રૂટ પર રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.


