અમદાવાદ, 12 માર્ચ 2026: Attack on municipal contract employee who went to catch cattle શહેરના નરોડા વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશનની CNCD વિભાગની ટીમ રખડતા ઢોર પકડવા માટે ગઈ હતી. અને જ્યાં ગાયો પકડવા મુદ્દે ભરવાડ વાસમાં રહેતા શખસો દ્વારા CNCD વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ વચ્ચે માથાકૂટ થયા બાદ કેટલાક માથાભારે પશુપાલકો દ્વારા CNDC વિભાગના નોકરી પૂર્ણ કરીને ઘેર જતા કર્મચારી પર હુમલો કરાયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં રખડતા ઢોરને કારણે અકસ્માતો અને લોકોના જીવને જોખમ હોવાથી રખડતા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત એએમસીના CNCD વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક ઢોર માલિકો ઢોર પકડવાની કામગીરીને લઈ મ્યુનિના કર્મચારીઓ પર હુમલા કરતા હોય છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મધુવન ગ્લોરી ફ્લેટમાં રહેતા રજનીકાંત વાઘેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિબાગમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ઉત્તર ઝોનમાં નોકરી કરે છે. તેમની શિફ્ટમાં પોલીસ કર્મચારીઓને સાથે લઇને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે. રજનીકાંતભાઈ 10 માર્ચના રોજ બપોરે નોકરી પર ગયા હતા અને CNCD વિભાગના પોલીસકર્મીઓ સાથે ઢોર પાર્ટી લઈને સૈજપુર ટાવર SRP ગ્રાઉન્ડ થઈ કેનાલથી આલગ અલગ જગ્યા ઉપર ગાયો પકડવા પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
રજનીકાંતભાઈ ફરતા ફરતા સાંજે નરોડા વિસ્તારમાં મોટા ઠાકોરવાસ પાસે કુમારશાળા નજીક આવેલા ભરવાડવાસ નજીક પહોંચ્યા હતા. જ્યાં ત્રણ ગાયો ઉભી હતી. જેથી ઢોર પાર્ટીના માણસો દ્વારા ગાયોને કોર્ડન કરી તેને ટ્રેક્ટરમાં ચડાવતા હતા, ત્યારે ભરવાડવાસમાંથી કેટલાક શખસો આવ્યા હતા અને ગાયોને ભગાડીને જતા રહ્યા હતા. જેથી ગાય પકડી શક્યા નહોતા. ગાયો ભાગી જતા ત્યાંથી તેઓ ફરી ફરતા ફરતા ભરવાડ વાસ પાસે આવ્યા, ત્યારે ત્રણ ગયો મળી આવી હતી જેને પકડીને નીકળ્યા હતા. બાદમાં તેઓ રાત્રે ચાર્જ સોંપીને નોકરી પૂરી કરી એક્ટિવા લઈને ઘરે પહોંચ્યા હતા. મધુવન ગ્લોરી ખાતે તેમના ફ્લેટમાં તેઓ પહોંચ્યા ત્યારે ભરવાડવાસમાં રહેતા મિહિર ભરવાડ, જયેશ ભરવાડ, પપ્પુ ભરવાડ અને અજાણ્યો શખસ ગેટ પાસે આવ્યા હતા અને મિહિર ભરવાડે તું અમારી ગયો પકડવા મ્યુનિસિપાલિટીના સાહેબોને લઈને અમારા ઘર પાસે આવે છે એમ કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી તેમણે બોલાચાલી કરવાની ના પાડતા તેમના બરડાના ભાગે માર મારવા લાગ્યા હતા.
આ ઉપરાંત જમણાં હાથ પર પણ માર માર્યો હતો. ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેના કારણે આસપાસના અને ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા. ચારેય લોકોએ ધમકી આપી હતી કે, હવે મ્યુનિસિપલના માણસો લઈ ભરવાડવાસમાં ગાયો પકડવા આવીશ તો જાનથી મારી નાખીશ. માર માર્યો હોવાને લઈને તેમણે ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે CNCD વિભાગના અધિકારીને પણ જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી આ બનાવની વધુ તપાસ હાથ ધરી છે.


