સુરેન્દ્રનગર, 2 એપ્રિલ 2026: Devotees gathered in Chotila to have darshan of Chaitri Poonam ચૈત્રી પૂનમ એટલે શક્તિની આરાધનાનો પવિત્ર દિવસ. ભાદરવી પૂનમે જે રીતે અંબાજીનું મહત્વ છે, તે જ રીતે ચૈત્રી પૂનમે ચોટીલામાં ભક્તિ, શ્રદ્ધા અને સેવાનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આજે ચૈત્રી પૂનમના દિને સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. આકરી ગરમી અને કાળઝાળ ગરમી પણ ભક્તોની શ્રદ્ધાને ડગાવી શક્યું નથી. અંદાજે દોઢ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી છે.
ચૈત્રી પૂનમે ચોટીલા ડુંગર પર ધજા ચડાવવાનું વિશેષ મહત્વ હોવાથી ગામ પરગામથી હજારો ભક્તો પગપાળા ચોટીલા પહોંચી રહ્યા છે. વિરમગામ-લખતર-સુરેન્દ્રનગર હાઈવે હાલ પદયાત્રીઓથી ભરાઈ ગયો છે. ઝાલાવાડની ધરતી પર સેવાભાવી યુવાનો અને સંસ્થાઓ દ્વારા 150થી વધુ સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. આ કેમ્પોમાં ભક્તોને 24 કલાક ચા-નાસ્તો, પૌષ્ટિક ભોજન (પુરી-શાક, મીઠાઈ, લાઈવ ઢોકળા, ખીચડી-કઢી), અને ઠંડી છાશ પીરસવામાં આવે છે. થાકેલા પદયાત્રીઓ માટે આરામગૃહ, માલિશની સુવિધા અને મેડિકલ ટીમ દ્વારા દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. લખતર પાસે અંબિકા યુવક મંડળ અને દેદાદરા પાસે દેત્રા યુવક મંડળ જેવા અનેક ગ્રુપ દિવસ-રાત જોયા વગર સેવામાં વ્યસ્ત છે.
ચોટીલા ડુંગર મહંત પરિવારના વસંતગીરીબાપુના જણાવ્યા અનુસાર, ભક્તોના ભારે ધસારાને ધ્યાને રાખીને પૂનમના દિવસે 24 કલાક પ્રસાદની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવી છે. કાળઝાળ ગરમીને કારણે તળેટીથી ડુંગર સુધીના માર્ગ પર લીલી તાડપત્રી બાંધીને છાંયો કરવામાં આવ્યો છે, જેથી ભક્તોને ચઢાણ વખતે રાહત રહે. સાથે જ પીવાના ઠંડા પાણીની ઠેર-ઠેર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


