અમદાવાદ, 12 મે 2026 : AMC issues notices to owners of 274 dangerous buildings ચોમાસાના આગમનને હવે એકાદ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં 274 જેટલા ભયજનક મકાનોના માલિકોને નેટિસ ફટકારી છે. શહેરમાં ખાસ કરીને કોટ વિસ્તારમાં સૌથી વધુ મકાનો જર્જરિત અવસ્થામાં ભયજનક છે. જેમાં ઘણા મકાનો તો રથયાત્રાના રૂટ પર આવેલા છે. કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા જ મ્યુનિએ મકાન માલિકોને નોટિસ પાઠવીને ભયજનક મકાનો ઉતારી લેવા માટે તાકીદ કરી છે.
અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિને ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત નિકળતી હોય છે. રથયાત્રાના રૂટ પર કેટલાક મકાનો જર્જરિત હાલતમાં છે. તેમજ ચોમાસાને પણ એકાદ મહિના જેટલો સમય બાકી છે. એએમસી દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 274 મકાનો અત્યંત ભયજનક અને જર્જરિત હાલતમાં મળી આવી છે. તંત્ર દ્વારા મકાન માલિકોને નોટિસ ફટકારીને જોખમી ભાગો તાત્કાલિક દૂર કરવા તાકીદ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારમાં હાથ ધરાયેલા સર્વેમાં 274 મિલકતો જોખમી હોવાનું બહાર આવ્યું છે. આ મિલકતોમાં સરકારી, ખાનગી અને ધાર્મિક ટ્રસ્ટની માલિકીના મકાનોનો સમાવેશ થાય છે. રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે તેવા ખાડિયા જેવા ગીચ વિસ્તારોમાં પણ ખાસ તપાસ કરીને નોટિસો આપવામાં આવી છે, જેથી ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય. મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) ઍક્ટની કલમ 264 હેઠળ નોટિસો બજાવવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો કોઈ જર્જરિત ઇમારત ધસી પડવાને કારણે જાન-માલનું નુકસાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મિલકતના માલિક કે કબજેદારની રહેશે.
એએમસીના સૂત્રોના કહેવા મુજબ વર્ષ 2023થી 2025 દરમિયાન કુલ 1251 ભયજનક મિલકતોને નોટિસ આપવામાં આવી હતી. ચાલુ વર્ષે 2026માં 274 નવી મિલકતોનો ઉમેરો થતાં કુલ આંકડો 1525 પર પહોંચ્યો છે. એએમસીએ મિલકત ધારકોને તાત્કાલિક જર્જરિત મકાનોની મરામત કરાવવા અથવા જોખમી ભાગો જાતે જ ઉતારી લેવા કડક સૂચના આપી છે.


