ગાંધીનગર, 10 જુલાઈ, 2026 : Ahmedabad-Dholera Expressway to be extended to Bhavnagar કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી ગુજરાતની મુલાકાતે આવતા ગાંધીનગરમાં ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે રાજ્યના નેશનલ હાઈવે પ્રોજેક્ટોની સર્વગ્રાહી સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના અનેક મહત્વના માર્ગ પ્રોજેક્ટોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. દરમિયાન અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવવાની કામગીરી આગામી ત્રણ મહિનામાં શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે સૌરાષ્ટ્રના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ગાંધીનગર ખાતે કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે યોજાયેલી ઉચ્ચસ્તરિય બેઠકમાં મુખ્યમંત્રીએ પાલનપુર-સામખિયાળી કોરિડોરના કામોમાં ઝડપ લાવવા માટે કેન્દ્રીય મંત્રીને અનુરોધ કર્યો હતો. સાથે જ સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી ગુજરાતના નેશનલ હાઈવે પ્રોજેક્ટોને વધુ નાણાંકીય સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારને તાત્કાલિક દરખાસ્તો મોકલવા ગડકરીએ સૂચન કર્યું હતું.
આ બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ અને મુખ્યમંત્રીના સલાહકાર એસ.એસ. રાઠોડ દ્વારા નવેમ્બર-2025ની બેઠક બાદ થયેલી કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. તેમાં વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48ના સિક્સ લેન પ્રોજેક્ટ, મોરબી-સામખિયાળી માર્ગ, રાજકોટ-ગોંડલ-જેતપુર રોડ, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે, અમદાવાદ-ગોધરા-ઇન્દોર રોડ, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, પાલનપુર-સામખિયાળી કોરિડોર તેમજ અમદાવાદ-શામળાજી સિક્સ લેન પ્રોજેક્ટ સહિતના મહત્વના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં ગડકરીએ ગુજરાત સરકાર દ્વારા અપનાવવામાં આવેલા જમીન સંપાદનના મોડલની પ્રશંસા કરી હતી. રોડના DPR તૈયાર થતી વખતે રોડ અલાઈનમેન્ટમાં આવતી જમીનના સંપાદનને સરળ બનાવવા બિનખેતી મંજૂરીની કાર્યવાહી 60 દિવસ માટે સ્થગિત રાખવાનો નિર્ણય દેશ માટે ઉદાહરણરૂપ બની શકે તેમ હોવાનું તેમણે જણાવ્યું હતું.
પર્યાવરણને પ્રાથમિકતા આપતા નીતિન ગડકરીએ રોડ વિસ્તરણ દરમિયાન માર્ગમાં આવતા વૃક્ષોને કાપવાને બદલે તે જ માર્ગ પર અન્યત્ર ટ્રાન્સપ્લાન્ટ કરવાની દિશામાં કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિવિધ વિભાગો વચ્ચેના સુમેળ અને સંકલનના કારણે જમીન સંપાદન સહિતના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં નોંધપાત્ર ગતિ આવી છે.
આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતિ રવિ, સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ.અંજુ શર્મા, NHAIના ટેકનિકલ મેમ્બર આલોક દીપાંકર, રાજમાર્ગ મંત્રાલયના ચીફ એન્જિનિયર મનોજ કુમાર સહિત રાજ્ય સરકાર અને NHAIના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


