સુરત, 27 ઓગસ્ટ 2026 : 723 kg of fake, unfit-for-consumption mawa and sweets seized ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. કેટલાક વેપારીઓ વધુ નફાની લાલચે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં પણ ખચકાતા નથી. જોકે હવે ફુડ વિભાગની જેમ ભેળસેળિયા વેપારીઓ સામે પોલીસે પણ લાલ આંખ કરી છે. શહેરના ઝોન-1 એલસીબી પોલીસે સરથાણામાં રેડ પાડીને 723 કિલો અખાદ્ય માવો અને તૈયાર મીઠાઈનો જથ્થો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના ઝોન-1 એલસીબી પોલીસે બાતમીના આધારે સરથાણા સેલિબ્રેશન કમ્પાઉન્ડ, શિક્ષાપત્રી એવન્યુ સામે અને રોયલ પાર્કની બાજુમાં આવેલા એક પતરાના શેડમાં રેડ પાડી હતી. જ્યાં તપાસ કરતા મૂળ જૂનાગઢના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના વતની અને હાલ લસકાણાના શામળા રો-હાઉસમાં રહેતા 39 વર્ષીય ભાવેશ છગનભાઈ વઘાસિયા દ્વારા મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટ’ ના નામે નકલી દૂધનો માવો તથા મીઠાઈ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. નકલી અને ભેળસેળયુક્ત માવો તેમજ મીઠાઈનો જથ્થો શહેરની અલગ-અલગ દુકાનોમાં સપ્લાય કરવામાં આવતો હોવાનું પૂછતાછ દરમિયાન માહિતી મળી હતી.
આથી, શહેરના મ્યુનિ.કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી ફૂડ એન્ડ સેફ્ટી અધિકારી દ્વારા અલગ-અલગ બ્રાન્ડ અને ખુલ્લા માવા સહિત મીઠાઈઓનો કુલ 723 કિલોગ્રામ જથ્થો, જેની અંદાજિત બજાર કિંમત ₹1,42,500 થાય છે, તે કબ્જે કરવામાં આવ્યો હતો.
આ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ભાવેશ છગનભાઈ વઘાસિયા નામના વ્યક્તિની બનાવટી માવામાંથી મીઠાઈ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપી તાલાલા અને અમદાવાદ જેવા વિવિધ વિસ્તારોમાંથી આશરે ₹180 પ્રતિ કિલોના ભાવે રંગ ભેળવેલો ડુપ્લિકેટ માવો લાવતો હતો. ત્યારબાદ તેમાંથી વિવિધ મીઠાઈઓ બનાવી અલગ-અલગ દુકાનોમાં હોલસેલ ભાવે વેચતો હતો અને આ ગોરખધંધો છેલ્લા ત્રણ વર્ષથી ચલાવતો હતો.


