અમદાવાદ, 28 ઓગસ્ટ, 2026 : Gujarat Vidyapith’s Convocation Ceremony ગૂજરાત વિદ્યાપીઠ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તથા વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં વિદ્યાપીઠનો ૭૨મો પદવીદાન સમારોહ ગરિમાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
ઐતિહાસિક પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પ્રાંગણમાં યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ૭ વિદ્યાશાખાના ૧૮ વિભાગોના કુલ ૯૦૦ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. શૈક્ષણિક સિદ્ધિની સાથોસાથ ગાંધીવાદી મૂલ્યો, સામાજિક સેવા, સંશોધન અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટતા દર્શાવનાર ૧૧ વિદ્યાર્થીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ‘કુલાધિપતિ મંદિર ચંદ્રક’ અને ‘ધ્વજ ચંદ્રક’ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિધાપીઠના વાર્ષિક અહેવાલનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.
સમારોહના મુખ્ય અતિથિ પદેથી પ્રાસંગિક ઉદ્બોધન આપતાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે ગૂજરાત વિદ્યાપીઠ સાથેના પોતાના સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે, તેઓ વિદ્યાપીઠની લાયબ્રેરીના ગહન અભ્યાસુ અને વાચક રહ્યા છે. જે લાયબ્રેરીમાં તેઓ કલાકો સુધી વાંચન કરતા હતા, તે વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા બદલ ગૌરવની લાગણીની અનુભૂતિ તેમણે વ્યક્ત કરી હતી. આ પરિસર એ દેશના સ્વતંત્રતા સંગ્રામની વ્યૂહરચનાઓ અને રાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિનું સાચું મોડેલ ઘડનારી તપોભૂમિ છે એમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વિદ્યાપીઠ અને ખાદી સાથેના અંગત જોડાણનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, માતાના આશીર્વાદ અને સંકલ્પથી તેઓ પોતે પણ જીવનપર્યંત ખાદી ધારણ કરી રહ્યા છે. ખાદી એ માત્ર વસ્ત્ર કે આર્થિક પ્રવૃત્તિ નથી પરંતુ સમાજના અંતિમ વ્યક્તિની ચિંતા કરવાનો ગાંધીવાદી વિચાર છે. દેશમાં પાછલાં વર્ષોમાં ખાદી ગ્રામોદ્યોગનું ટર્નઓવર અનેકગણું થયું છે, જે ગાંધી વિચારોની સ્વીકાર્યતા દર્શાવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૨ વર્ષથી દેશ ભારતીય મૂળતત્વો અને આધુનિકતાના સમન્વય સાથે ‘પુનઃનિર્માણ’ના માર્ગે આગળ વધી રહ્યો છે. તેમણે યુવાનોને આહ્વાન કર્યું હતું કે વર્ષ ૨૦૪૭ માં જ્યારે ભારત આઝાદીની શતાબ્દી ઉજવે ત્યારે દેશ દરેક ક્ષેત્રમાં વિશ્વમાં સર્વપ્રથમ અને આત્મનિર્ભર બને તેવા ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં વિદ્યાપીઠના પદવીધારકો મહત્વની ભૂમિકા ભજવે.
ગૂજરાત વિદ્યાપીઠના ૭૨મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપતાં વિદ્યાપીઠના કુલાધિપતિ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુરુકુળ પરંપરા, વેદ-ઉપનિષદના આદર્શો અને મહાત્મા ગાંધીના મૂલ્યો પર સઘન પ્રકાશ પાડ્યો હતો.
તેમણે દીક્ષાંત સમારોહનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, આ ક્ષણ શિક્ષણ મેળવ્યા બાદ સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વને સ્વીકારવાની અવિસ્મરણીય ક્ષણ છે. પ્રાચીન સમયથી ગુરુ પોતાના શિષ્યોને વિદ્યા પૂર્ણ કર્યા બાદ સમાજમાં મોકલતી વખતે જે ઉપદેશ આપતા હતા, તે જ પરંપરા આજે પણ વિદ્યાપીઠ જેવી સંસ્થામાં જીવંત છે.
આ પદવીદાન સમારોહના પ્રારંભે ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલે પ્રાણજીવન વિદ્યાર્થી ભવનના પરિસરમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિદ્યાપીઠમાં વિદ્યાર્થીઓને માત્ર સાક્ષરી શિક્ષણ જ નહીં, પરંતુ ગાંધીજીના હૈયું, હાથ અને મસ્તિષ્કના સર્વાંગી વિકાસના સિદ્ધાંત મુજબ સફાઈ, કાંતણ, ખાદી, સમૂહ જીવન અને સામુદાયિક સેવાની બુનિયાદી તાલીમ આપી જીવન કૌશલ્યથી સમૃદ્ધ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગૂજરાત વિદ્યાપીઠના ૭૨મા પદવીદાનમાં પદવી મેળવનારાઓમાં ૪૪૧ વિદ્યાર્થીનીઓ અને ૪૫૯ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના ૧૮૪, અનુસ્નાતક કક્ષાના ૪૦૦, સ્નાતકોત્તર અભ્યાસક્રમના ૨૩૨, અનુસ્નાતક ડિપ્લોમાના ૨૧ તથા એમ.ફિલ/પીએચ.ડી.ના ૬૩ પદવીધારકોનો સમાવેશ થાય છે.


